વડોદરાની ઘટનામાં 12 બાળક - 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા
કબીરવડ હોડી ઘાટના સંચાલકોએ આ ઘટનાને વખોડી કાઢી
પોતાના સગાની દીકરીનું મોત નિપજતા કોન્ટ્રાક્ટર સામે રોષ
બિન અનુભવીઓને અપાતા કોન્ટ્રાક્ટ સામે રોષ ઠાલવ્યો રોષ
કબીરવડના પ્રવાસીઓને સેફ્ટી જેકેટો સાથે કરાવાય મુસાફરી
વડોદરાના હરણી ખાતે સર્જાયેલી કરૂણ ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં ગમગીની ફેલાઈ ગઈ છે. તો બીજી તરફ, ઘણા પિકનિક પોઇન્ટ ઉપર બોટીંગની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે ભરૂચના કબીરવડ હોડી ઘાટના સંચાલકોનું માનવું છે કે, બિન અનુભવીઓને કોન્ટ્રાક્ટ અપાતો હોવાના કારણે આવી દુર્ઘટના સર્જાતી હોય છે.
વડોદરા શહેરના હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો ફરવા માટે પહોંચ્યા હતા, જ્યાં ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 બાળક અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે. આ કરૂણ ઘટનાને લઇ સમગ્ર ગુજરાતમાં ગમગીની જેવો માહોલ જોવા મળ્યો છે. આ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયા દીકરા-દીકરીઓને ગુમાવ્યા છે. એક પરિવારમાં તો 17 વર્ષે દીકરીનો જન્મ થયો હતો, અને તેના મોતથી પરિવાર પણ આઘાતમાં સારી પડ્યો છે.
સમગ્ર ઘટનાને લઇ કોની બેદરકારી, કોની સામે કાર્યવાહી કરવી તેવા સવાલો વચ્ચે હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ જે કોન્ટ્રાક્ટ કે, પેટા કોન્ટ્રાક્ટ અત્યાર સુધીમાં 4 વખત પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, તો તે તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ વચ્ચે અનેક પરિવારોના ઘરમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે, ત્યારે ભરૂચના કબીરવડ હોડી ઘાટના સંચાલકોનું માનવું છે કે, બિન અનુભવી લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોવાના કારણે આવી દુર્ઘટના સર્જાતી હોય છે.
કહેવત છે ને કે, “જાગ્યા ત્યારથી સવાર”, જ્યારે કોઈ ઘટના બને, ત્યારે જ તંત્ર જાગતું હોય છે. વડોદરાની ઘટના બાદ કબીરવડ ખાતે પ્રવાસીઓને સેફટી જેકેટ અપાય રહ્યા છે. પરંતુ કબીરવડ હોડી ઘાટના સંચાલકના જ સગાની દીકરીએ પણ વડોદરાની આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે, જેને લઇ તેઓએ પણ આક્રોશ ઠાલવ્યો છે. ઘણી વખત બિન અનુભવી લોકોને કોન્ટ્રાક્ટ આપી દેવાતો હોય છે, જેના કારણે આવી કરૂણ ઘટના બનતી હોય છે. વડોદરામાં પણ જે ઘટના બની છે તે બિનઅનુભવી કોન્ટ્રાક્ટરોના પાપે થઈ છે.
કબીરવડ ખાતે જે કોન્ટ્રાક્ટ હોડી ઘાટનો ચાલે છે, તે માછીમારો ચલાવે છે, અને માછીમારો સતત રાત-દિવસ માછીમારી કરતા હોય છે. જેના કારણે પાણીના વહેણ કેવા હોય છે. મુસાફરો માટે બોટ કેવી હોવી જોઈએ તેવા અનેક અનુભવો અહીના માછીમારોને હોય છે. પરંતુ વડોદરાની જે ઘટના છે તેમાં સેવઉસળ વેચનારાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેના પાપે આજે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો છે. જે ઘટનાને સમગ્ર ભરૂચ જિલ્લા માછીમાર સમાજ વખોડી રહ્યું છે.