/connect-gujarat/media/post_banners/3214bcccffe85ae516b180558c863aa709c44b7e440963268c6b3fa88e5a2f3d.jpg)
ભરૂચના કરમાડ ગામ નજીક રાતોરાત વોટરપાર્ક ઉભું થઈ ગયું અને લોકો માટે ખુલ્લું પણ મુકાઈ ગયું, જ્યારે લોકો પણ વોટરપાર્કનો હોશે હોશે ઉપયોગ પણ કરવા લાગ્યા. ભરૂચમાં વોટરપાર્ક ઉભું થયું હોય અને તંત્ર અજાણ હોય તે વાત ગળે ઉતરે ખરી..! પરંતુ વોટરપાર્કમાંથી આવેલા લોકોને ચામડીના રોગ થયા હોવાની વાત સામે આવતા સમગ્ર મામલો તંત્રના કાને પહોંચતા તંત્ર એ પણ મંજૂરી આપી છે કે, કેમ તે વાતથી તેઓ પણ ખુદ અજાણ હોવાની વાત સામે આવી છે. વોટરપાર્કમાં ઉપયોગમાં લેવાતું પાણી ક્યાંથી આવે છે, તેવા સવાલો ઉભા થતા મોટો ભાંડો ફૂટ્યો છે. વોટરપાર્ક નજીક વરસાદી કાંસ પાસે મોટર મુકી પાણી સીધું જ પાઇપલાઇન વડે વોટરપાર્કમાં જતું હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવતા સમગ્ર મામલો મામલતદાર સુધી પહોંચતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને અધિકારીઓને પણ ગંભીર પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું. પરંતુ વોટરપાર્કના સંચાલકોએ અધિકારીઓને પણ ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થળ પરથી વરસાદી પાણીનો એટલે કે, કેનાલમાંથી વરસાદી કાસમાં પાણીની લાઈન આપી પ્લાસ્ટિકની પાઇપલાઇન વડે પાણી સીધું જ વોટરપાર્કમાં પહોંચતું હોવાના ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.
જેના પગલે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી શરૂ કરી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, વોટરપાર્ક પર તપાસ માટે અધિકારીઓ પહોંચતા જ વોટરપાર્કના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી, અને વરસાદી કાંસના પાણીનો જે ઉપયોગ કરાતો હતો. તેની પાઇપલાઇન દૂર કરવા માટે શરૂઆત કરી હતી. જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે, ત્યારે અત્યાર સુધી જેટલા લોકો પણ વોટરપાર્કમાં ગયા હતા, અને તેમને ચામડીનો રોગ થયો હોય તેવી ઘટના સામે આવી હોય, તો અધિકારીઓએ તાત્કાલિક વોટરપાર્ક બંધ કરાવવું જોઈએ. જોકે, આ વોટરપાર્કમાં પાણીનો તો ગેરકાયદેસર ઉપયોગ કરાય છે. પરંતુ ફીટનેસ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું છે. આ સાથે જે તે વિભાગની મંજૂરી લેવાની હોય તે બાબતે પણ મંજૂરી ન લેવાય હોવાનું માનવામાં આવે છે. સમગ્ર મામલો સામે આવતા વોટરપાર્કની મંજૂરી બૌડા વિભાગે આપી હોવાનું વોટરપાર્કના સંચાલકોએ રટણ કર્યું હતું. વોટરપાર્કના સંચાલકોએ પણ ખોટી કેફિયત રજૂ કરી હોય તેમ બૌડા વિભાગે પણ સ્પષ્ટ કહ્યું હતું કે, અમારા વિભાગ તરફથી કોઈપણ મંજૂરી મળી નથી, અને ભરૂચમાં વોટરપાર્ક ચાલુ થયું છે, તે અમારા ધ્યાને આવ્યું નથી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ પણ કહ્યું હતું કે, હું તપાસ અધિકારીઓને મોકલું છું. જોકે, સ્થળ ઉપર મામલતદારની ટીમે વોટરપાર્કના સંચાલકોએ નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે.