ભાવનગર : કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા એક્રેસીલ કંપનીએ તંત્રને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કર્યા

ભાવનગર : કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા એક્રેસીલ કંપનીએ તંત્રને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કર્યા
New Update

ભાવનગર શહેર તેની સંસ્કારિતા સાથે દાનની સરવાણી વહાવવા માટે પણ જાણીતું છે. કોરોનાએ જ્યારે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે ત્યારે કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ માટે ઓક્સિજન પૂરો પાડવા માટે ઉપયોગી એવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની બીજા વેવમાં ખૂબ જરૂરિયાત ઊભી થઇ હતી. ભાવનગરની વિવિધ કંપનીઓ અને શ્રેષ્ઠીઓ દ્વારા વિવિધ પ્રકારે ભાવનગર શહેરની હોસ્પિટલની વિવિધ પ્રકારે મદદ થઈ રહી છે. તેના ભાગરૂપે આજે એક્રેસીલ કંપની દ્વારા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાને ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યાં છે.

આ અવસરે એક્રેસીલ કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેકટર પ્રદીપ હરદેવસિંહજી ગોહિલે જણાવ્યું હતું કે, કંપની દ્વારા ભાવનગર માટે ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવામાં આવ્યાં છે. કોરોનાના દર્દીઓ માટે તેની ખરેખર જરૂર હતી. આવા કસોટીના સમયે હંમેશા એક્રેસીલ કંપની ભાવનગરની જનતાની સાથે સાથે છે અને રાજ્ય સરકાર સાથે આ સંકટના સમયે ખભે ખભો મિલાવી કાર્ય કરી રહી છે. ગયા વર્ષે એક્રેસીલ કંપની દ્વારા આરોગ્ય સેવા માટે એક આઇ.સી.યુ. એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. અત્યારના સમયમાં ભાવનગરમાં એમ્બ્યુલન્સની સખત જરૂરિયાત હતી, તેથી બે એમ્બ્યુલન્સનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને તે એમ્બુલન્સ આવે એ પહેલા જ અત્યારે બે એમ્બ્યુલન્સ ભાડે રાખીને સેવા માટે આપી છે. તેમણે વધુમાં કહ્યું કે, આ રીતે અમે હંમેશા પ્રજાલક્ષી કાર્યો કરતાં રહ્યાં છીએ. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ શબ્દ તો હમણાં આવ્યો. પરંતુ અમે તો ઘણા વર્ષોથી આ કામ કરતાં આવ્યા છીએ. એક્રેસીલ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન અને ફાઉન્ડર અશ્વિન પારેખ જે બટુકભાઈના નામથી જાણીતા હતા અને તેમના ધર્મપત્ની ઇલાબેનએ બંને આ કામ ખૂબ જ સરસ રીતે વર્ષોથી કરતા હતા. તેવી જ રીતે ચિરાગ પારેખ જે હાલ કંપનીના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર છે તે પણ માતાપિતાના સંસ્કારોના વારસાને આવી રીતે દાન સેવાથી આગળ વધારી રહ્યાં છે.

publive-image

આ તકે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, આજે એક્રેસીલ કંપની મારફતે ભાવનગર જિલ્લાને અને ખાસ કરીને સર ટી. હોસ્પિટલને ૧૦ જેટલાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મળ્યા છે. જેની ક્ષમતા ૧૦ લિટર પ્રતિ મિનિટ છે. જે દર્દીને ઓક્સિજનની જરૂરિયાત હોય તેવા દર્દીની આપણે કાળજી લઇ શકીએ છીએ એ પ્રકારના આ કોન્સન્ટ્રેટર છે. એક્રેસીલ કંપનીનો આભાર માનતાં કલેકટરએ કહ્યું હતું કે, અને કંપનીના ચિરાગભાઈને મેં વાત કરી અને તુરંત જ તેમણે સાનુકૂળ પ્રતિભાવ આપી આ માટેનો ઓર્ડર આપી દીધો હતો અને આજે આપણને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મળી પણ ગયા છે. તેમનું યોગદાન ભાવનગર જિલ્લા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાના ત્રીજા વેવને પહોચી વળવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તેમાં સૌથી વધુ ઉપયોગી ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ બની રહેવાના છે.

ઓક્સિજન બોટલને રિફીલીગ કરવાની જરૂર પડે છે, લિક્વિડ ઓક્સિજનને મેળવવાનું મુશ્કેલ બને છે. પરંતુ આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ એવાં છે જે પોર્ટેબલ છે. તેથી તેને ગમે ત્યાં હેરફેર કરી શકાય છે અને તે હવામાંથી ઓક્સિજન બનાવી ૨૪ કલાક દર્દીને ઓક્સિજન પૂરો પાડે છે. કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ માટે આવાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ખૂબ જ અગત્યના છે. આ માટે ઘણી બધી સ્વેચ્છિક સંસ્થાઓ આગળ આવી છે. ઘણાં બધાં કોર્પોરેટ જગતના લોકો આગળ આવ્યાં છે અને તે રીતે ભાવનગર જિલ્લાની દિન-પ્રતિદિન ત્રીજા વેવની તૈયારી માટે વધુને વધુ મજબૂત બનાવતાં જાય છે. થોડા દિવસ પહેલાં જ મધુ સિલીકા ગ્રૂપ દ્વારા પણ ૧૮ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ આપવામાં આવ્યા હતાં. તે અગાઉ લીલા ગ્રુપ દ્વારા પણ ૬ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ આપવામાં આવ્યા હતા અને બાકીના ૧૯ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ હજુ આપવાના છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.જે.પટેલ, મદદનીશ કલેક્ટર પુષ્પલત્તાબહેન, સર.ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ કોલેજ ડિન ડો. હેમંત મહેતા, ભાવનગરના પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરીયા, એક્રેસીલ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Bhavnagar #bhavnagar news #Bhavnagar Collector #Oxygen Concentrators
Here are a few more articles:
Read the Next Article