ભાવનગર : રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ, ખોટી અફવાઓથી ન દોરાવા તંત્રની અપીલ

New Update
ભાવનગર : રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ, ખોટી અફવાઓથી ન દોરાવા તંત્રની અપીલ

કોવિડ-19ના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાશમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકશનનો ભાવનગર જિલ્લામાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો ભાવનગર જિલ્લાને પૂરો પાડવામાં આવી રહ્યો છે અને તેની કોઈ પણ પ્રકારની અછત જિલ્લામાં સર્જાવાની કોઈ શક્યતા નથી તેમ ભાવનગર જિલ્લા કલેક્ટરએ જણાવ્યું છે.

કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશનનો વપરાશ પણ કોરોનાની સારવાર માટે વધ્યો છે. તેવા સમયે આ ઇંજેક્શનની માંગ વધી છે. આ વધેલી માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓને આ ઈલેક્શનનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ જરૂરિયાત મુજબ અને જરૂરી માંગ મુજબ તેનો જથ્થો પૂરો પાડવામાં આવનાર છે, ત્યારે આ બાબતે ભાવનગરની જનતાએ ગભરાવાની જરૂર નથી. હાલમાં પ્રતિદિન 1000 રેમડેસીવીર ઇન્જેક્શનનો સપ્લાય સર ટી હોસ્પિટલ ખાતે આવી રહ્યો છે, જેમાંથી કોવિડ ડેસિગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં પણ જથ્થો અપાઈ રહ્યો છે. છેલ્લા 4 દિવસથી રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીઓને ખાનગી હોસ્પિટલના માધ્યમથી પુરા પાડવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં રેમડેસીવીર ઈન્જેકશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાના લોકોમાં વહેતા થયેલી અફવાઓ ભ્રામક છે. જિલ્લામાં તેનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી લોકોએ બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથી.

ભાવનગરની સિવિલ હોસ્પિટલ એવી સર ટી હોસ્પીટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સર ટી હોસ્પીટલમાં જરૂરિયાત મુજબ રેમડેસીવીર ઇન્જેક્શન વપરાશ બાદ વધારાના ઇન્જેક્શન કોરોનાની સારવાર માટે માન્ય કરાયેલી અન્ય 18 હોસ્પિટલને પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટરએ આ મહામારીના સમયમાં જનતાને અપીલ કરી છે કે, જે લોકોને ઈંજેક્શનની જરૂરિયાત હોય તે લોકો જ રેમડેસિવિર ઈંજેક્શન ખરીદે જેથી કારણ વગરની તંગી ઉભી ન થાય તેની આપણે સૌ તકેદારી રાખીએ તે સમયની માંગ છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સીટી મામલતદારની ઓફિસ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે એક અલગ તંત્ર સર ટી હોસ્પિટલ ખાતે ઊભું કરવામાં આવ્યું છે. તે જ રીતે જિલ્લામાં ઓક્સિજન, રેમડેસિવિર ઇંજેક્શન અને પૂરતા પ્રમાણમાં બેડ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને તેના માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં સંક્રમિતોને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. વધુ જરૂરિયાતને પહોચી વળવા ૩ લાખ રેમડેસિવિર ઈંજેક્શનનો રાજ્ય સરકારે ઓર્ડર આપ્યો છે. ભારતમાં સૌથી વધુ રેમડેસિવિર ઈંજેક્શનની વ્યવસ્થા કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.

Latest Stories