ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનો ખૂબ જ ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે પોતાના ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે.
ભાવનગર શહેરના સુભાષનગર ખાતે આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો. સવારથી જ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રભુની વિશેષ પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે વિવિધ સંતો-મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પરંપરા અનુસાર, ભાવનગરના રાજવી પરિવારની ગરિમામય ઉપસ્થિતિમાં પવિત્ર ‘છેડાપોરા’ પહિંદ વિધિ સંપન્ન કરવામાં આવી હતી, ત્યારબાદ રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવાયું હતું. જેવો જ ભગવાનનો રથ મંદિરની બહાર નીકળ્યો, કે તુરંત જ એકત્રિત થયેલા હજારો ભક્તોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.’જય જગન્નાથ’ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભાવનગરની આ પરંપરાગત રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય લવાજમ જોડાયું છે. જેમાં આગળ લટકતા હાથી, રૂઆબદાર ઘોડા, સુશોભિત ટ્રેક્ટરો અને 60 જેટલા વિશાળ ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભગવાનનો આ આલૌકિક રથ સોળ શણગાર સજીને જ્યારે શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તાની બંને બાજુએ નાથના એક ઝલકના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
