ભાવનગર શહેરના કૃષ્ણનગર મુખ્ય દેરાસર ખાતે રાજ્યમંત્રી વિભાવરી દવેના હસ્તે ઈલેક્ટ્રીકથી ચાલતી ઈ-રીક્ષાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર ખાતે કૃષ્ણનગર વિસ્તારના દર્શનાર્થીઓને દેરાસર સુધી લાવવા તેમજ લઈ જવા માટે ઈ-રીક્ષા દ્વારા નિ:શુલ્ક સુવિધા પુરી પાડવામાં આવશે. જેના થકી વિસ્તારના બીમાર, અશક્ત તેમજ વડીલ નાગરીકોને મુખ્ય દેરાસર ખાતે દર્શન કરવાનો લાભ સરળ બનશે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી કૃષ્ણનગર મુખ્ય દેરાસર ખાતે ઈ-રીક્ષા માટે આર્થિક સહયોગ પુરો પાડવામા આવ્યો છે. જેના થકી કૃષ્ણનગરના આશરે 5 હજારથી વધુ ભાવિકોને નિઃશુલ્ક લાભ થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સમગ્ર રાજ્યમાં આ પ્રકારની સુવિધા સૌપ્રથમ ભાવનગર ખાતે શરૂ કરવામાં આવેલ છે. જેને ભાવનગર જૈન સંધના ઉપપ્રમુખ જયુ ટાણાવાળા, રસીક વોરા, વસંત પારેખ, દિવ્યકાંત સોલાત, બુધ્ધીવર્ધન સંધવી તથા કોર્પોરેટર કૃણાલ શાહ સહિતના આગેવાનોએ આવકારી હતી. ઉપરાંત ઈ-રીક્ષાનો લાભ લેવા કૃષ્ણનગરના રહેવાસીઓને કૃષ્ણનગર જૈન સંધના હોદ્દેદારોનો સંપર્ક કરવા જણાવાયું છે.