મહાનગરપાલિકામાં વિરોધપક્ષના નેતાની વરણી

પાંચ મહિનાના બાદ વિરોધપક્ષના નેતાની વરણી

કોંગ્રેસ દ્વારા વરિષ્ઠ નેતાને સોંપવામાં આવી કમાન 

ભરત બુધેલીયાની વિરોધપક્ષના નેતા તરીકે વરણી

જોકે કોંગ્રેસ કેડરમાં આંતરિક અસંતોષ

ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ મહિનાથી ખાલી પડેલી વિરોધપક્ષના નેતાની જગ્યા આખરે ભરાઈ ગઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા વરિષ્ઠ નગરસેવક ભરત બુધેલીયાની વિરોધપક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે.  

ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ મહિનાથી ખાલી પડેલી વિરોધપક્ષના નેતાની જગ્યા આખરે ભરાઈ ગઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા વરિષ્ઠ નગરસેવક ભરત બુધેલીયાની વિરોધપક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ભરત બુધેલીયા છેલ્લા પાંચ ટર્મ કરતાં પણ વધુ સમયથી સતત કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે અને સ્થાનિક રાજકારણમાં બહોળો અનુભવ ધરાવે છે. તેમણે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચીને વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે.

ભરત બુધેલીયાએ વિરોધપક્ષના નેતા તરીકે ચાર્જ સંભાળતા જ મહાનગરપાલિકા કચેરી ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તમામ આગેવાનોએ ભરત બુધેલીયાને પુષ્પહાર પહેરાવી, મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા,અને પ્રજાના પ્રશ્નોને મનપામાં મજબૂતીથી વાચા આપવાની આશા વ્યક્ત કરી હતી.

એક તરફ પદગ્રહણનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો, તો બીજી તરફ આ નિર્ણયને લઈને પક્ષની અંદર આંતરિક વિરોધના સૂર પણ ઉઠ્યા છે. સ્થાનિક કાર્યકર્તાઓ અને કેટલાક જૂથોમાં એવી ચર્ચા છે કે કોંગ્રેસે વિરોધપક્ષના નેતા તરીકે કોઈ ઉત્સાહી યુવા નગરસેવકને તક આપવાની જરૂર હતી. યુવા ચહેરાને બદલે ફરી એકવાર વરિષ્ઠ નેતાની પસંદગી કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં છૂપો કચવાટ અને નારાજગી જોવા મળી રહી છે.