ભાવનગર : તાઉ-તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકને નુકશાન, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ લીધી મુલાકાત

New Update
ભાવનગર : તાઉ-તે વાવાઝોડાના કારણે બાગાયતી પાકને નુકશાન, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ લીધી મુલાકાત

સમગ્ર રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાના કારણે કૃષિ પાકોને ખાસ કરીને બાગાયતી પાકોને મોટા પાયે નુકશાન થયું છે, ત્યારે ભાવનગર જીલ્લાના અનેક ગામોની કૃષિ વૈજ્ઞાનિકોએ મુલાકાત લઇ ખેડૂતોના ખેતરમાં પાક સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ નુકશાનમાં કૃષિકારોને મદદ કરવા અને સહાયરૂપ થવા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો ભાવનગરના ગામડાઓને ખૂંદીને ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યાં છે.

ભાવનગર જિલ્લાના થળસર ગામના એક ખેડૂતે જણાવ્યુ હતું કે, સમગ્ર ગામમાં તાઉતે વાવાઝોડાના કારણે 600થી વધુ આંબા જમીન દોસ્ત થઇ ગયા છે. એક આંબા કિંમત આશરે 20 હજારની આસપાસ હોય છે, ત્યારે આ વિસ્તારમાં મોટાભાગના આંબાઓ જમીન દોસ્ત થઈ ગયા છે. જેથી ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ શિહોર સહીતના ગામોમાં લીંબુના 500 છોડ જમીન દોસ્ત થઇ ગયા છે.

જેમાં એકપણ લીંબુ છોડ પર રહ્યું ન હતું, જે પણ લીંબુવાળા છોડ વધ્યા હતા તે પણ તડકાને લીધે પીળા પડી છે. આ સમયે કેવી રીતે છોડને બેઠા કરવા તેની ગડમથલ ચાલતી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભાવનગર જિલ્લામાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોની મદદથી હાલ તો ધરાશાયી થયેલા છોડ ઉભા કરવામાં આવી રહ્યા છે.

ભાવનગરના ખેડૂત ચૈતન્યસિંહે જણાવ્યું હતું કે, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા તેમના ગામોની વાડીમાં ખેતીને થયેલ નુકશાન સામે દવા અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. છોડની ડાળ પર ફુગ અને ગુંદર ન લાગે તે માટેની દવા આપી છોડને કેમિકલ પ્રક્રિયાથી ફરીથી નવસર્જન કરવા માટે પ્રોનિંગ સહિતની અદ્યતન પધ્ધતિ પણ શીખવાડવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ રીતે મુશ્કેલીના સમયમાં કરવામાં આવેલી મદદને બિરદાવી રાજ્ય સરકાર માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. હાલ તો કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ મહુવા, તળાજા, જેસર, શિહોર, ઘોઘા તેમજ પાલિતાણા તાલુકામાં કામગીરી કરી રહી છે.

આ કૃષિ વૈજ્ઞાનિકોએ ભાવનગર જીલ્લાના 230 ગામોની મુલાકાત લઇ ખેડૂતોને પાક સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ પાકોના સંરક્ષણ માટે કૃષિ વૈજ્ઞાનિકોની મદદ લેવાના લીધેલા નિર્ણયને પગલે આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનીકોની 9 ટીમ ભાવનગર ખાતે મોકલવામાં આવી છે. કૃષિ પાકોને બેઠાં કરવાં અને છોડ ફરીથી પુનર્જીવન પામે તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.