/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/28125407/4A6nADge-e1622187024318.jpg)
તાઉતે વાવાઝોડા દરમ્યાન પડેલા વરસાદ અને ભારે પવનના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં તારાજી સર્જાઈ છે, ત્યારે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લાઓમાં ગીર સોમનાથ અને અમરેલીની મુલાકાત બાદ તેઓએ ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં મહુવા, જેસર અને પાલીતાણા સહિતના તાલુકાઓમાં પહોચી લોકો સાથે ચર્ચા કરી પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.
તાઉતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં તબાહી મચાવતા અનેક જિલ્લાઓમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. હજારો વૃક્ષો અને વીજપોલ વાવાઝોડાના ભારે પવનના કારણે તૂટી ધરાશાયી થયા હતા, ત્યારે વાવાઝોડા બાદ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે બાદ મળેલી બેઠક પછી તેઓએ 1 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી.
જેમાં ખેડૂતોને થયેલા નુકશાન અંગે સમીક્ષા કરી હતી. જે બાદ ખેડૂતો માટે રાજ્ય સરકારે 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જે દરમ્યાન અન્ય 2 મંત્રીઓ સૌરભ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સમગ્ર પંથકમાં વીજ કંપનીને થયેલા નુકશાન બાદ સુરતથી ટીમો બોલાવી ઝડપથી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા.
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે પહોંચેલા સી.આર.પાટીલે આફતગ્રસ્ત પરિવારોને કીટ વિતરણ કર્યું હતું, તેમજ મહુવા ખાતે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને આગેવાનો સાથે બેઠક કરી હતી, જ્યારે જેસર તાલુકાની મુલાકાત દરમ્યાન તેઓએ ખોડીયાર માતાજીના દર્શનનો લાભ લીધો હતો. જેસર પંથકના આગેવાનો અને લોકો સાથે મુલાકાત બાદ તેઓ સીધા જ પાલીતાણા પહોંચ્યા હતા, જ્યાં મેવાડ ભુવન ખાતે ભાજપના વરિષ્ઠ કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભયંકર નુકશાન થયું છે. ખેડૂતોને પણ ખૂબ અસર થઈ છે, જ્યારે વીજ પોલ પડી જતાં અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જેને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે.