ભાવનગર જિલ્લામાં તાજેતરમાં પાણીમાં ડૂબી જવાથી મોતની અનેક ઘટનાઓ બનવા પામી છે, ત્યારે સિહોરના બોરડી ગામે 2 સગા ભાઈઓના ડૂબી જતાં મોતની ઘટનાએ બોરડી ગામમાં સન્નાટો પ્રસરાવી દીધો છે. ધો. 7 અને ધો. 10માં અભ્યાસ કરતા આયુષકાર અને અજય પરમાર નામના 2 સગા ભાઈઓના ડૂબી જતાં મોત નીપજ્યા હતા.
આ વર્ષે સારા ચોમાસાના કારણે ગોહિલવાડના મોટા ભાગના જળાશયો પાણીથી છલોછલ ભરાયેલા છે, ત્યારે ભરાયેલા જળાશયો લોકો માટે આશીર્વાદરૂપની સાથે સાથે ઘાતક પણ સાબિત થઈ રહ્યા છે. આવા જળાશયો અને પુરના પાણીમાં તણાઈ જતા કે, ડૂબી જતાં મોતની અનેક ઘટનાઓ તાજેતરમાં બનવા પામી છે, ત્યારે ડૂબી જવાથી 2 સગા ભાઈના મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી છે.
મળતી માહિતી અનુસાર, સિહોર તાલુકાના બોરડી ગામે રહેતા આયુષકાર અને અજય પરમાર નામના 2 સગા ભાઈઓ તળાવમાં ન્હાવા પડ્યા હતા. જેમાં નાનો ભાઈ પાણીમાં ડૂબવા લાગતા મોટો ભાઈ તેને બચાવવા પાણીમાં કૂદયો ગયો હતો, જે પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બન્ને ભાઈઓના કરુણ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં જ ગ્રામજનો સહિત સ્થાનિક નેતાઓ તેમજ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે સ્થાનિક તરવૈયાની મદદ લઈ બન્ને ભાઈઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. એક જ પરિવારના બે સગા ભાઈનું મોત થતાં માતા-પિતા સહિત પરિવારના સભ્યો ઉપર આભ ફાટી પડ્યું હતું.