ભાવનગર જિલ્લામાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે તાઉ’ તે વાવાઝોડાના કારણે થયેલી નુકશાનીનો ચિતાર મેળવવા સહિત વીજ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આવી પહોચ્યા હતા. ઊર્જા મંત્રીએ તેમની બે દિવસીય મુલાકાતમાં ભાવનગર શહેર અને જિલ્લામાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાં માટે ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને તેમને જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી.
ઉર્જા મંત્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વીજ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ તુરંત જ કામગીરી હાથ ધરી જિલ્લાના 566 ગામોમાં વીજ પુરવઠો યથાવત કરી દીધો છે. હવે જિલ્લાના માત્ર 101 ગામમાં જ વીજ પુરવઠો પૂર્વવત કરવાનું કાર્ય બાકી છે, જે પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
ભાવનગર જિલ્લાના મહુવામાં 65, જેસરમાં 26, વલભીપુરમાં 4, બગદાણામાં 3, પાલિતાણામાં 2 અને ગારીયાધારમાં 1 ગામમાં વીજ પુરવઠો શરુ કરવાનું કામ બાકી છે. જે પણ ઝડપથી શરું કરવામાં આવશે તેમ ઉર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું. મંત્રી વિભાવરી દવે, ગારિયાધારના ધારાસભ્ય કેશુ નાકરાણી, મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પ. અધ્યક્ષ મુકેશ લંગાળીયાની લાગણી અને માંગણી હતી કે, જિલ્લામાં મોટાપાયે ડુંગળીનું વાવેતર થાય છે, ત્યારે વાવાઝોડા અને વરસાદને કારણે ડુંગળીનો બગાડ થયો છે.
તદુપરાંત ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં વીજ પુરવઠો ખોરવાઇ જવાથી ડુંગળીની ખેતી કરતાં ખેડૂતોને પણ મોટું નુકશાન થયું છે. આ લાગણીનો પડઘો પાડતાં ઊર્જા મંત્રીએ જાતે મહુવા ખાતે ડિહાઇડ્રેશન પ્લાન્ટની મુલાકાત લઇ સ્થિતિનો ક્યાસ કાઢીને તાત્કાલિક વીજ પુરવઠો ચાલું કરવાં માટે વીજ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. જેના પગલે તાત્કાલિક કાર્યવાહી કરતાં 30 ડિહાઇડ્રેશન યુનિટમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત 100 યુનિટોમાં પણ વીજ પુરવઠો શરૂ થઈ જશે અને બાકીના યુનિટોમાં તા. 26 મે સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે. ડિહાઇડ્રેશન પ્લાન્ટના 10 ફિડરોમાં આ અંગેનું કાર્ય પ્રગતિમાં છે. ભાવનગર જિલ્લામાં વીજ પુરવઠો યથાવત કરવાં માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 400 વીજ કર્મચારીઓને રો-રો ફેરી મારફતે તાત્કાલિક બોલાવ્યાં છે, તેઓ પણ જિલ્લામાં વીજ પુરવઠો બહાલ કરવા માટે કામે લાગેલા છે, ત્યારે વીજ કંપનીના કર્મચારીઓની ફરજ નિષ્ઠાને જિલ્લાવાસીઓ પણ બિરદાવી રહ્યા છે.