ભાવનગર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લેપ્રસી હોસ્પિટલમાં 108 લીમડા અને તુલસીના રોપાનું વાવેતર કરાયું

ભાવનગર : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લેપ્રસી હોસ્પિટલમાં 108 લીમડા અને તુલસીના રોપાનું વાવેતર કરાયું
New Update

ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી દવેની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. રૂવાપરી ખાતે આવેલ લેપ્રેસી હોસ્પિટલ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ૧૦૮ લીમડાના વૃક્ષ અને ૧૦૮ તુલસીના છોડનું પ્રતીકરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી જીવંત પ્રસારણ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે પ્રોજેક્ટ ફોર ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન ઇન ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે કહ્યું કે, પર્યાવરણની રક્ષા એ આજના સમયની તાતી જરૂરિયાત ત્યારે સહસ્તિત્વની સંસ્કૃતિ તે આપણાં સંસ્કારો બનવા જોઈએ. માનવીએ પોતાની સાથે પર્યાવરણની સુરક્ષાનો વિચાર કરશે તો જ આપણે બચી શકીશું. તેથી જ આજે ક્લાયમેન્ટ ચેન્જનો વિષય જગતને સતાવી રહ્યો છે. ત્યારે કુદરત અને પર્યાવરણની જાળવણી કરીને પ્રદૂષણને અટકાવવા આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યાં છીએ.

રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી દવેએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ પર્યાવરણનું પૂજન કરનારી રહી છે. પર્યાવરણનું દોહન કરવું એ પશ્ચિમી સંસ્કૃતિ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિ પર્યાવરણનું જતન કરનારી છે. તેમણે કહ્યું કે, વૃક્ષનાં ફળ, ફૂલ, છાલ અને છેલ્લે તેનું લાકડું પણ ઉપયોગી છે, તે રીતે આપણું સમગ્ર જીવન વૃક્ષની આસપાસ ગુંથાયેલું છે. આપણી સંસ્કૃતિમાં તુલસીને માતા, વડને પિતા જેવી ઉપમા આપવામાં આવી છે. તે દ્રષ્ટિમાં આપણી સંસ્કૃતિ વૃક્ષોને પણ જીવંત ગણવાની છે. વૃક્ષોની દ્રષ્ટિએ ભાવનગર ગાંધીનગર શહેર પછી બીજા ક્રમનું નગર છે તાઉતે વાવાઝોડાને લીધે શહેરમાં ઘણાં વૃક્ષો પડી ગયા છે અને કોરોનાને કારણે આપણને ઓક્સીજનની જરૂરિયાત સમજાઇ છે.

તેમણે આ અંગેની આંકડાકીય વિગતો આપતાં કહ્યું કે, વિશ્વમાં કેનેડા ૧૦,૧૬૩ વૃક્ષો સાથે પ્રતિ વ્યક્તિ વિશ્વમાં સૌથી વધુ વૃક્ષનો ગુણોત્તર ધરાવે છે. જ્યારે ભારતમાં પ્રતિ વ્યક્તિ માત્ર ૩૦ વૃક્ષો જ છે તે દૃષ્ટિએ હજુ ઘણું કરવાની જરૂર છે. જે લોકો વધુ વૃક્ષો વાવશે તેમને વૃક્ષ મિત્ર તરીકેનું સન્માન કરવાની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, સાસ હો રહી હે કમ, આવો પેડ લગાયે હમ,ના ન્યાયે વધુ વૃક્ષો વાવવા તે આજે અતિ આવશ્યક બની ગયું છે. આપણી પાસે બચત માટેના સિસ્ટમેટિક પ્લાન છે પરંતુ પ્રકૃતિના જતન સંવર્ધનના નથી. તે પ્રકૃતિ પ્રત્યેની આપણી બેદરકારી અને નિષ્કાળજી દર્શાવે છે. તેમણે એક વ્યક્તિને ઓક્સિજનની જરૂરિયાતને કિંમતના મૂલ્યમાં મૂકીને કહ્યું કે, જો ઓક્સિજનની બોટલથી વ્યક્તિનું જીવન ચાલે તો પ્રતિ વ્યક્તિને જીવનભર રૂ.૩.૫ કરોડના ઓક્સીજનની જરૂરિયાત પડે.

આ ઉપરાંત વૃક્ષો વાવવા તેમ જ નહીં, પરંતુ વાવેલા વૃક્ષો મોટા થાય તેની કાળજી પણ એટલી જ થાય તે જરૂરી છે તેમ તેમણે વૃક્ષોની મહત્તા દર્શાવતાં જણાવ્યું હતું. આ અવસરે કોરોના વોરીયર્સ તથા વિભાવરી દવે અને મહાનુભાવોના હસ્તે રૂવાપરી રોડ સ્થિત લેપ્રેસી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુલ મળીને ૧૦૮ તુલસીના રોપા અને ૧૦૮ લીમડાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

#Bhavnagar #Tree Plantation #Connect Gujarat News #World Environment Day 2021
Here are a few more articles:
Read the Next Article