વિશ્વભરમાં પ્રતિ વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે, વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતાં પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને પણ સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે ૩૦મી એપ્રિલ, ૨૦૨૨ના રોજ જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્થામાં કાર્યરત તમામ પશુ ચિકિત્સકો દ્વારા ઉજવણી કરવામાં આવેલ છે. જે અંતર્ગત વિવિધ સંગોષ્ટી, તાલીમ, રસીકરણ જેવાં વિવિધ પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાત સરકાર અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંયુક્ત ઉપક્રમે ૬ ઓકટોબર, ૨૦૧૭ના રોજ ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અને ૨૨ જૂન, ૨૦૨૦ના રોજ ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની સેવાની શરૂઆત કરવામાં આવેલ છે. હાલમાં ૩૭ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જે સવારના ૮થી રાતના ૮ વાગ્યા સુધી કાર્યરત હોય છે, અને શહેર અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે અસહારા પશુઓને સેવા પૂરી પાડે છે.

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વિવિધ મેડિકલ સાધનો દ્વારા સુસજ્જ હોય છે. જેમાં નાની-મોટી સર્જરી પણ કરી શકાય છે. જેવી રીતે આકસ્મિક સંજોગોમાં લોકોને 108 એમ્બ્યુલન્સ ની સેવા મળી રહે છે તેવી જ રીતે પશુઓ માટે પણ આકસ્મિક સંજોગો સર્જાય, ત્યારે ઈમરજન્સી સેવા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે નિ:શૂલ્ક ૧૯૬૨ સેવા શરૂ કરી છે‌. જે અંતર્ગત આખા ગુજરાતમાં ૭,૪૯,૪૭૦ ઈમરજન્સી કોલ મળેલ છે.

તેમાથી ૪,૦૬,૨૨૮ એમ્બ્યુલન્સ ડિસ્પેચ કરવામાં આવેલ છે. જેમાં સૌથી વધારે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ થકી ભાવનગર જિલ્લામાં ૧૭૦૪૯ અનાથ અને અબોલ પશુઓની સારવાર કરવામાં આવેલ છે. જેમાં સૌથી વધારે ૧૧,૮૮૪ રખડતાં શ્વાનોને સારવાર આપી પીડામાંથી મુક્ત કરેલ છે. ગુજરાત સરકાર જીવદયા અને કરુણાને વરેલી છે એનાં પગલે મૂંગા જીવોના જીવન રક્ષણ માટે વ્યાપક કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે.