રીંગણના સારા ઉત્પાદન પછી પણ મુશ્કેલી

રીંગણના ભાવ તળિયે જતા ખેડૂતોની વધી મુશ્કેલી

ઉત્પાદન સામે વેચાણ મોંઘુ થતા હાલાકી

એક કિલો રીંગણ મળી રહ્યા છે 3 થી 5 રૂપિયા

સારા પાકના ભાવ ન મળતા ખેડૂતો નિરાશ 

ભાવનગર જિલ્લામાં રીંગણાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. બમ્પર ઉત્પાદન છતાં બજારમાં એક કિલો રીંગણાના માત્ર 3 થી 5 રૂપિયા જેટલા ભાવ મળતા હોવાથી ખેડૂતો માટે ઉત્પાદન વેચવું પણ નુકસાનકારક બન્યું છે.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે રીંગણાનું ઉત્પાદન સારું થયું છે. ખેડૂતોને આશા હતી કે સારા ઉત્પાદન સાથે યોગ્ય ભાવ પણ મળશે, પરંતુ બજારમાં ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. હાલ બજારમાં એક કિલો રીંગણાના માત્ર ત્રણથી પાંચ રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે. આ ભાવમાં મજૂરી, પરિવહન અને ઉત્પાદન ખર્ચ પણ નીકળતો ન હોવાથી ખેડૂતો ભારે નિરાશા વ્યક્ત કરી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર એક વીઘા દીઠ ખેડતી, વાવેતર, ખાતર, દવાઓ, સિંચાઈ અને અન્ય ખર્ચ મળીને અંદાજે 10 થી 15 હજાર રૂપિયા કે તેથી વધુ ખર્ચ થાય છે. સામાન્ય રીતે એક વીઘામાંથી 50 હજાર રૂપિયા કરતા વધુનું ઉત્પાદન મળવાની શક્યતા રહે છે, પરંતુ હાલના બજાર ભાવને કારણે આખી મહેનત નિષ્ફળ ગઈ છે. વેચાણ કરવા જવાથી ભાડું અને મજૂરી પણ નીકળતી ન હોવાથી ખેડૂતો ખેતરમાં જ રીંગણા ફેંકી તેનો નાશ કરી રહ્યા છે.