Ai GENERATED IMAGE

વેદકાલીન ગુરુકુલોના આધાર ગુરુજનો ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ઋષિઓ, મુનિઓ કે સંતો હતા.

“ऋषति – गच्छति संसारपारम् इति ।” એવી ઋષિની વ્યાખ્યા છે.

ઋષિની આંખ સામે સંસારના ઈહપારલૌકિક કલ્યાણનું સ્પષ્ટ દર્શન હોય છે.

ઋષિ એ માનવના સાચા આત્મીય આપ્તજન છે. કારણ કે, રાગદ્વેષના રોટેશનમાં રુંધાઈને તે અન્યથા બોલતા નથી એટલે કે કોઈને ખાલી ખુમસા જેવી કોરી-ખોટી સલાહ આપતા નથી.

ઋષિચિંતનમાં માનવને બદલવાની હિંમત છે. કારણ કે, ઋષિની બુદ્ધિ ઈશસમર્પિત હોય છે. ઋષિ પોતાને મંત્ર–કર્તા નહિ પણ મંત્ર-દ્રષ્ટા ગણે છે… ‘ऋषयः मंत्र द्रष्टारः, न तु कर्तारः ।’

માનવ બુદ્ધિમાંથી નિર્માણ થયેલો વિચાર માનવને બદલે કે ન બદલે, પરંતુ ઈશસમર્પિત ઋષિબુદ્ધિમાં ઈશકૃપાથી સ્ફુરાયમાન વિચાર સમગ્ર માનવને બદલાવી શકે એ નિર્વિવાદ નોટીફિકેશન છે.

તેમણે પરમતત્ત્વ પાસેથી પ્રાપ્ત જ્ઞાનને જ પરમાત્માનું સ્વરૂપ માન્યું છે. તેઓએ પોતાની વાણી માથે ક્યારેય માલિકીપણાની મહોર મારી નથી, નથી ક્યારેય પોતે જ્ઞાનના અગાધ સાગર હોવાનો દાવો કર્યો. પોતે એક દ્રષ્ટા હોવાનું જ સ્વીકાર્યું છે અને સર્વ શ્રેય પરમાત્માને અર્પણ કર્યું છે. પોતાની જાતને જે નિમિત્તમાત્ર જ સમજે તે જ ઋષિ કહેવાય.

‘ઋષિ’ શબ્દ જ સમજવા જેવો છે. ‘ઋ’ એટલે ‘મૂકવું’ અને ‘ષિ’ એટલે ‘સ્થિર થવું’. જેઓ ત્રણેય ગુણોને મૂકી દઈ મુક્ત થઈ જાય અને પરમાત્મ ચૈતન્ન સાથે સ્થિરતાપૂર્ણ ઐક્ય સાધે છે… તેઓ ઋષિ છે.

“लौकिकानां हि साधूनामर्थं वागनुवर्तते । ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥”

સામાન્ય લૌકિક સજ્જનો અર્થનો વિચાર કરીને વાણી ઉચ્ચારે છે (Think before you speak ). પરંતુ, આદ્ય ઋષિઓની પાછળ તો અર્થ સ્વયં દોડતો આવે છે. આવા મહાપુરુષોની વાણી પર સવાર થવા મળે એ કેમ જાણે અર્થને પોતાનું સૌભાગ્ય લાગતું ન હોય !

કારણ કે, यास्तेषां स्वैरकथाः ता एव भवन्ति शास्त्राणि ।

આવા મહાપુરુષોની સહજ વાતો પણ શાસ્ત્રોનું રૂપ ધારણ કરી લે છે. આવા મહાપુરુષોનું કથન એ જ કવન હોય છે.

Ai Generated Image

વેદની એક વ્યાખ્યા છે – अपौरुषेय वाक्यं वेद । અપૌરુષેય વાક્યને વેદ કહે છે.

પ્રથમ અર્થ એવો થાય કે, અપૌરુષેય એટલે… જેની રચના કોઈ પુરુષે નથી કરી, પણ પરમાત્માએ કરી છે… એવા વાક્યો એટલે વેદ.

વેદનો બીજો અર્થ સમજવા માટે… ઋષિ શબ્દનો અર્થ સમજીએ.

ઋષિ શબ્દ આવ્યો છે ऋष् ધાતુ પરથી. એનો અર્થ થાય ગતિ, શ્રુતિ, સત્ય, તપ.

વેદોના મંત્રોનું જ્ઞાન ઋષિઓએ અંતઃસ્ફુરણાથી મેળવેલું છે.

देवानाम यत उच्छ्वासितम् तद् ऋग्वेदः यजुर्वेदः सामवेदः अथर्ववेदश्च ।

જેમનું ચિત્ત દિવ્ય બની ગયું છે તેમણે પ્રશ્વાસની જેમ સહજ રીતે મેળવેલ જ્ઞાન એટલે જ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.

સહજ રીતે મળેલ જ્ઞાન એટલે કે પ્રયત્ન વગર મેળવેલ જ્ઞાન. પૌરુષ એટલે પ્રયત્ન. અપૌરુષેય એટલે પ્રયત્ન વિના. છતાંય અહીં ઋષિઓએ પ્રયત્ન તો કર્યો જ, પણ બાહ્ય રીતે કરવામાં આવેલો યત્ન નહીં. સૂક્ષ્મ રીતે અંતરમન તરફ કરેલી ગતિ અને એને પરિણામે પ્રાપ્ત થયેલી દિવ્ય દૃષ્ટિ! તેથી, વેદનો બીજો અર્થ એવો થાય કે પ્રયત્ન વગર સહજ ઋષિઓએ મેળવેલું જ્ઞાન. એટલા માટે જ તો, ઋષિઓને મંત્રના કર્તા કે રચયિતા નહિ, મંત્ર દ્રષ્ટા કહ્યા છે !… ऋषयोः मन्त्र द्रष्टारः ॥

વેદની રચના પાછળનો પુરુષાર્થ આંતરિક છે, અને એટલે જ એ દિવ્ય છે ! યાસ્કાચાર્ય કહે છે, ऋषि दर्शनात् । વેદમંત્રોનું દર્શન કરનાર હોવાથી ઋષિ કહેવાય છે.

ઋષિને માનવ – સમાજ પર અંતઃકરણનો પ્રેમ હોય છે. ઋષિને વિશ્વ પોતાના ભગવાનનું લાગે છે. પતિવ્રતા સ્ત્રી જેમ પતિના ઘરને સ્વચ્છ અને સારું રાખવાના પ્રયત્ન કરે છે તેમ ઋષિ પણ પોતાના સ્વામી એવા ભગવાનના ઘરને, જગતને વિશુદ્ધ રાખવા અહર્નિશ પ્રયત્ન કરતા રહે છે. તેની સમાજ સેવા કે જગત–સુધારણા ભક્તિના ગર્ભમાંથી જન્મે છે અને તેના પાયામાં પ્રભુપ્રેમ હોય છે.

જગતના અધઃપતનથી ઋષિને વ્યથા થાય છે; તેનું અંતઃકરણ રડી ઊઠે છે, પણ આ રુદનના પેટમાં સ્વાર્થ ન હોવાથી તે વિષાદયોગ ગણાય છે. ક્યારેક ક્યારેક આ ઋષિ અધઃપતિત સમાજ પર ચિડાયેલા પણ દેખાય છે, પરંતુ એ ચીડ પ્રેમમાંથી પ્રગટેલી હોય છે. સટ સીધી વાત છે કે… પ્રેમ ન હોય તો ચીડ ન ચડે. દીકરાનું અધઃપતન જોઈને બાપને જ ચીડ ચડે, નહિ કે પાડોશીને. જે માણસ વિકાસને માટે રડે તેનું રુદન વિષાદયોગ કહેવાય અને જે માનવ જગતનું સાંસ્કૃતિક અધઃપતન જોઈને ચિડાય તેની ચીડ એ પુણ્યપ્રકોપ ગણાય. આવા માનવનો શોક ‘શ્લોક’ બની જાય અને એની ચીડ એને ચિંતનશીલ બનાવે.

સમૂહના સાંસ્કૃતિક આત્માનો પરિચય એટલે આપણા ઋષિઓ. માણસની સામાન્ય સમજણ તે બુદ્ધિ અને ઊંડી સમજણ તે પ્રજ્ઞા. ગુરુકુલના પ્રણેતા ઋષિઓ પ્રજ્ઞાવાન હોવાથી તેમણે જગતને મોક્ષમાર્ગ ચીંધ્યો.

Ai Generated Image

ઋષિઓનાં પ્રકાર :

ગુરુકુલના ગિરનાર પર વિરાજમાન આ ઋષિઓ પોતાનાં તપ, ત્યાગ અને સિદ્ધિ પ્રમાણે સ્થાન પામેલા છે.

સૌપ્રથમ સપ્તર્ષિને યાદ કરીએ તો…અત્રિ, વસિષ્ઠ, કશ્યપ, ગૌતમ, ભરદ્વાજ, વિશ્વામિત્ર અને ઋચીક મહાત્માના પુત્ર જમદગ્ન વગેરે સપ્તર્ષિના સન્માન યોગ્ય ગણાયા છે, કારણ કે તેઓએ વ્યાખ્યાન કરવાથી અને ઐશ્વર્યથી સર્વાંશે પૂર્ણતા મેળવી છે, નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતને સમજણપૂર્વક પાળ્યું છે. સપ્તર્ષિમાં અન્ય સાત ગુણો પણ હોવા જરૂરી છે… જેમ કે, દીર્ઘાયુષ, મંત્ર રચનારા, ઈશ્વર જેવા સમર્થ, દીર્ઘદ્રષ્ટિવાળા, બુદ્ધિથી પ્રત્યક્ષ અનુભવનારા, વંશ ચાલુ રાખનારા અને સર્વે વર્ણો તથા આશ્રમોને સંપૂર્ણપણે સ્વીકારનાર હોય, સત્ય અને ધર્મ માટે તત્પર હોય… આવા વિશ્વયજ્ઞના પરમ નિર્માતાઓ સપ્તર્ષિમાં સ્થાન પામી શકે.

Ai Generated Image

સંસ્કૃતિનો વિકાસ ક્યારેય શાસનથી નથી થતો, પરંતુ જે કાર્ય-અકાર્યનો ભેદ સમજી સમાજને સત્યમાર્ગે દોરી જીવનઘડતર કરે તેનાથી સંસ્કૃતિ જન્મે છે. આવા ઋષિઓ બ્રહ્મર્ષિ કહેવાયા છે. ભૃગુ, અંગિરા, વામદેવ, યાજ્ઞવલ્ક્ય, કપિલ, વસિષ્ઠ વગેરે બ્રહ્મર્ષિઓ છે, કારણ કે તેઓ સૌ જ્ઞાનમાર્ગના દ્રષ્ટા છે. ચતુર્વર્ણની ભાષામાં વાત કરીએ તો તેઓ બ્રાહ્મણવર્ગમાં આવે. તેઓ તત્ત્વજ્ઞાની છે, બ્રહ્મચિંતન કરે છે, બ્રહ્મની ખોજ કરવામાં વ્યસ્ત રહી નવા સિદ્ધાંત રચી લોકો સમક્ષ રજૂ કરે છે અને તેનો મર્મસંકેત આપી અગત્યતા સમજાવે છે. આધ્યાત્મિક શક્તિનો ખ્યાલ આપવા બ્રહ્મર્ષિની ખાસ જરૂર છે. સમાજજીવનને ઉન્નત, તેજસ્વી અને સંસ્કૃત બનાવવા અને સંસ્કૃતિના પાયા મજબૂત બનાવવામાં બ્રહ્મર્ષિઓ પાયાની ઈંટ સમાન છે. એમની આર્ષદ્રષ્ટિએ જ માનવજીવનપથને અજવાળ્યો છે. સત્તત્ત્વને અનુસરવાનો અનુરોધ કરનાર આ ઋષિઓ છે.

જે ઋષિઓમાં મૌલિકતા અને અધ્યાત્મદર્શન સાથે સમાજની સેવા કરવાની તત્પરતા વધુ છે તે રાજર્ષિ છે. રાજર્ષિ કર્મયોગી દ્રષ્ટા છે. સમાજ વચ્ચે રહીને સમાજને યોગ્ય માર્ગે દોરી જવાનું કામ રાજર્ષિઓનું છે. વર્ણવ્યવસ્થાની રીતે તેઓ ક્ષત્રિયકુળમાં સ્થાન પામી શકે. જો બ્રહ્મર્ષિ શિક્ષક છે, તો રાજર્ષિ રક્ષક છે. સમાજનું રક્ષણ કરવું, દૂષણો દૂર કરવાં, દૂષિત વાણી-વિચાર-વર્તનથી સમાજને બચાવતા રહેવું, લોકોનાં સત્કાર્યને અનુમોદન આપી તેઓનું રક્ષણ-પોષણ કરવું એ રાજર્ષિનું કર્તવ્ય બની રહે છે.

પોતાની દીર્ઘદ્રષ્ટિ, સ્વાનુભવથી જગતને અસલ સ્વરૂપે જોવાની દ્રષ્ટિ કેળવી ચૂકેલા રાજર્ષિ પ્રજાના હિતચિંતક છે. તેઓ પ્રજાની પ્રસન્નતા વધારવા પ્રયત્નશીલ રહેનાર છે, કારણ કે તેઓ સ્વેચ્છાએ આ જવાબદારી સ્વીકારે છે. સમાજવ્યવસ્થાને સરસ, સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે જીવન વ્યતીત કરનાર રાજર્ષિ છે. ધરેઘરેથી લોકસ્થિતિની જાણકારી મેળવી યોગ્ય પગલાં ભરવા જે સદાય સજ્જ છે તે રાજર્ષિ છે. સહાનુભૂતિ એ રાજર્ષિઓનો સ્થાયી હૃદયભાવ છે. સુઘડ, સંસ્કૃતિપૂર્ણ સમાજના નિર્માણ માટેના પ્રયોગ અને પ્રયત્ન એ રાજર્ષિઓનું આગવું તપ. અગસ્ત્ય, વિશ્વામિત્ર, મનુ ભગવાન, જનક વિદેહી વગેરે રાજર્ષિનું સન્માન પામ્યા છે.

વળી, પરાશરઋષિ જેવી વ્યક્તિઓ ‘પરમઋષિ’ કહેવાયા છે અને ચરક, સુશ્રુત વગેરે શ્રુતર્ષિ તરીકે ઓળખાયા છે.

જ્યારે ભૃગુ, મરીચિ, અંગિરા, પુલહ, પુલસ્ત્ય, ક્રતુ, વ્યાસ વગેરે મહર્ષિઓ તરીકે વંદનીય છે. શુક્રાચાર્ય, ચ્યવન, ઉત્તથ્ય, ઔશિજ, કર્દમ, વિશ્રવા, શક્તિ, વાલખિલ્ય વગેરે થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ છે, પ્રકાશવાન છે.

Ai Generated Image

આ બધામાં ‘દેવર્ષિ’ બોલીએ એટલે આપણાં ચિત્તમાં નારદજી છવાઈ જાય. ભક્તિમાર્ગના આ દ્રષ્ટા ઈશ્વરને સગુણ-સ્વરૂપે ભજનાર ઋષિ છે, પરંતુ તેમની અંધ ભક્તિ નથી, જાગૃત, દૃષ્ટિસંપન્ન ભક્તિ છે. ઈશ્વરનાં ગુણગાન ગાતાં તેઓ ક્યારેય થાકતા નથી, છતાંય દેવોને પણ સત્ય સમજાવવામાં કચાશ રાખતા નથી. નિત્યપ્રવાસી, સફળ કાર્યશીલ, સંદેશવાહક નારદ સ્પષ્ટ-વિચાર-સંપન્ન અને શુદ્ધ-દૃષ્ટિ-સંપન્ન હોવાથી સત્ય અને સત્યમાર્ગથી ન તો ચલિત થાય છે, ન તેમના સંપર્કમાં આવનારને ચલિત થવા દે છે. સાહિત્યપ્રેમી, કવિહૃદય, સંગીતજ્ઞ અને ચિત્રકાર એવા આ દેવર્ષિની આસપાસનું વાતાવરણ ઈશ્વરસ્તવનથી ગૂંજતું રહે છે અને તેથી એમનું દર્શન સદાય શાંત, સ્વસ્થ, પ્રસન્ન અને પ્રીતિકર રહ્યું છે. ભગવાનના રૂપદર્શનને પ્રત્યક્ષ કરવાની તેમની ક્ષમતા છે. અનાદિ, અનંત, અગોચર, અવ્યક્ત ઈશ્વરને મૂર્તિમંત કરવા સમર્થ હોવાથી તેઓ ‘દેવર્ષિ’ છે.

આ દેવર્ષિનું કાર્ય કયું ? કલાવિકાસનું. બ્રહ્મર્ષિ થકી દર્શન પામેલો, રાજર્ષિ થકી સ્વસ્થ સમાજમાં રહી શકતો માનવી કલાવિકાસ કરી શકે. વિશ્વ કલામય, પ્રાણમય અને જીવંત બની રહે તેવી દેવર્ષિની ઝંખના છે, તેથી તો ‘મહતી’ નામની વીણાનો ઝંકાર તેમની સાથે સદા ગુંજતો રહે છે. નારદજીની જેમ વ્યાસજીના પનોતા પુત્ર શુકદેવજી ગર્ભસ્થ અવસ્થામાં જ જ્ઞાનપ્રાપ્ત કરીને દેવર્ષિપદ પામ્યા છે.

ખરેખર શિક્ષક, રક્ષક, પોષક એવા આ ઋષિઓ મહામાર્ગના આરોહી છે. એમની આપણે પ્રશંસા કરીએ એ કદાચ નાને મોઢે મોટી વાત કરી કહેવાય છતાં એક વાત તો અચૂક કહેવી પડે કે સૃષ્ટિમાં જ સ્વર્ગ સર્જવા અવિરત પરિશ્રમ કરનાર એ ઋષિઓએ ગુરુકુલના ગુરુપદે રહીને જ્ઞાનની ગંગા વહાવી.