ગુરુનું મહત્ત્વ :

અધ્યાત્મરૂપી આભને આંબી ગયેલા હોવા છતાં ગુરુકુલના આ ગુરુજનો પાસે આવનાર જીવપ્રાણી માત્ર પ્રત્યે સરળ સ્વભાવથી વર્તન કરતા હતા. વિદ્યાના વિશાળ સાગરને પાર પામી ગયા હોવા છતાં સંસારના સામાન્ય માનવી આગળ પણ નિર્માની બનીને રહેનારા આ ગુરુઓ વિદ્વાન હોવાની સાથે વિનમ્ર હતા.

સરળ એવા કે એમની ઊંચાઈને કોઈ માપી ન શકે, સુલભ એવા કે એમની દુર્લભતાને કોઈ માની ન શકે; સહજ એવા કે એમના મૂલ્યને કોઈ જાણી ન શકે, હૃદયના એમના ભાવને કોઈ શબ્દોમાં બાંધી ન શકે !

વેદકાલીન સમાજમાં આવા ગુરુજનોનું મહત્ત્વ મહદ્ હતું.

मातृमान् पितृमानाचार्यवान् पुरुषो वेद । (शतपथ ब्राह्मण… १४/६/१०/२) ત્રણ ઉત્તમ શિક્ષક અર્થાત્ એક માતા, બીજા પિતા અને ત્રીજા આચાર્ય – ગુરુ છે… આ ત્રિપુટી દ્વારા મનુષ્ય જ્ઞાનવાન બને છે.

અથર્વવેદના પ્રથમ સૂક્તમાં, ગુરુએ શિષ્ય વતી કહેવામાં આવ્યું છે…

पुनरेहि वाचस्पते देवेन मनसा सह । (अथर्ववेद… १/१/२) “તમે ‘દેવ મન’ સાથે પુનઃ પુનઃ અમારે ઘરે આવો.” આ દર્શાવે છે કે વૈદિક ગુરુકુલોમાં શિક્ષક-શિષ્ય વચ્ચે એવો મધુર પ્રેમભર્યો સંબંધ છે કે શિષ્યો શિક્ષકને વારંવાર તેમની વચ્ચે આવવાનું આમંત્રણ આપે છે. વળી, શિષ્યો સાથે વ્યવહાર કરતી વખતે શિક્ષક હંમેશા ‘દેવ મન’થી યુક્ત હોવો જોઈએ. ક્યારેય પણ શિક્ષક નિર્બળતાવશ પોતાના મનને શિષ્ય પ્રત્યે ‘અદેવ’ ન થવા દે.

આ સૂક્તમાં આગળ કહેવામાં આવ્યું છે –

उपहूतो वाचस्पतिरुपास्मान् वाचस्पतिर्हृयताम् । (अथर्ववेद…१/१/२) “અમે શિક્ષકને નિમંત્રિત કરીએ છીએ, શિક્ષક અમને નિમંત્રિત કરે છે.” ગુરુ અને શિષ્યના પરસ્પર સ્નેહ, વિનય, આદર, સદાચાર અને માધુર્યનું આ કેટલું સુંદર નિદર્શન છે !

ગુરુ એટલે હૃદય… શિષ્ય એટલે ધબકારા ગુરુ એટલે સૂર્ય… શિષ્ય એટલે કિરણ ગુરુ એટલે ધર્મ… શિષ્ય એટલે કર્મ ગુરુ એટલે જ્ઞાન… શિષ્ય એટલે ધ્યાન

જ્યારે શિષ્ય ગુરુકુલમાં પ્રવેશ કરવા ગુરુ પાસે પહોંચે છે, ત્યારે ગુરુ તેની ઉપનયન વિધિ કરે છે. વેદના કથન અનુસાર…

आचार्य उपनयमानो ब्रह्मचारिणं कृणुते गर्भमन्तः । तं रात्रीस्तिस्र उदरे बिभर्ति तं जातं द्रष्टुमभिसंयन्ति देवाः ॥ (अथर्ववेद… ११/५/३) “ઉપનયન વિધિ કર્યા પછી ગુરુ શિષ્યને પોતાના ગર્ભમાં ધારણ કરે છે. તેને ત્રણ રાત સુધી પોતાના ઉદરમાં રાખે છે. પછી જ્યારે તે શિષ્યનો જન્મ થાય છે, ત્યારે દેવતાઓ તેના દર્શન કરવા એકત્ર થાય છે.”

આ વર્ણન ગુરુ-શિષ્યના પારસ્પરિક સંબંધ પર સારો પ્રકાશ ફેંકે છે. જેવી રીતે, બાળક માતાના ગર્ભમાં હોય છે એવી જ રીતે શિષ્ય ગુરુને આધીન રહે છે. ગર્ભસ્થ શિશુનો માતા સાથે જેવો ગાઢ સંબંધ હોય છે, એવો જ સંબંધ શિષ્યનો ગુરુ સાથે છે. જેવી રીતે માયાળુ માતા ગર્ભસ્થ શિશુનું પાલન કરે છે, એવી જ રીતે દયાળુ ગુરુ શિષ્યનું પોષણ કરે છે.

યજ્ઞોપવીત આપવાની વિધિને ઉપનયન સંસ્કાર એટલા માટે કહેવામાં આવે છે કે તેના દ્વારા ગુરુ શિષ્યને પોતાની નજીક લાવે છે. શિષ્ય ત્રણ રાત્રિ ગુરુના ગર્ભમાં રહે છે. અહીં ત્રણ દિવસને બદલે ત્રણ રાત્રિ કહેવાનો ભાવાર્થ એવો છે કે રાત્રિ એ અજ્ઞાનતાનું લક્ષણ છે. શિષ્ય ત્રિવિધ અજ્ઞાનથી ઘેરાયેલો છે. ગુરુકુલમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી, પહેલી રાત્રિ પૂરી થઈ, માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી બીજી રાત્રિ અને ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા પછી ત્રીજી રાત્રિ. શિષ્યના જીવનમાં અમાસ અંધકારે પૂનમ પ્રકાશ પાથરવાનું કાર્ય ગુરુ કરે છે. પ્રથમ રાત્રીએ જ્ઞાનકાંડનું અજ્ઞાન દૂર થાય છે, દ્વિતીય રાત્રીએ કર્મકાંડનું અજ્ઞાન દૂર થાય છે અને તૃતીય રાત્રીએ ઉપાસનાકાંડનું અજ્ઞાન દૂર થાય છે.

ત્રણ રાત સુધી ગુરુના ગર્ભમાં રહીને શિષ્ય જન્મ લે છે; સ્નાતક બને છે. જ્યારે તે સ્નાતક બને છે, ત્યારે દેવતાઓ તેના દર્શન માટે ભેગા થાય છે. બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યોને દ્વિજ કહેવામાં આવે છે કારણ કે તેઓ એક વખત માતાના ગર્ભમાંથી અને બીજી વાર આચાર્યના ગર્ભમાંથી જન્મે છે.

આ આલંકારિક વર્ણન પરથી, વેદ નિર્દિષ્ટ કરે છે કે, ગુરુનો શિષ્ય સાથે માતા જેવો સંબંધ છે અને માતા ગર્ભસ્થ શિશુ માટે જે બલિદાન આપે છે, ગુરુએ પણ શિષ્ય માટે એવું બલિદાન આપવા ઉધત રહેવું જોઈએ…

જન્મ માટે જનની જનેતાની જરૂર હોય છે, જીવનપથ પર ચાલવા માટે જ્ઞાનવેત્તાની જરૂર હોય છે. પુષ્પને ખીલવા પ્રકાશ અને પાણીની જરૂર હોય છે, એક નવજાત શિશુને સાચી સલાહની જરૂર હોય છે. વેલને વધવા સહારાની જરૂર હોય છે, પૂર્ણ પ્રગતિને પામવા પડકારની જરૂર હોય છે, આમ તો સંસાર ચાલ્યા જ કરે છે ! બસ એને સુખી રીતે ચલાવવા એક ગુરુની જરૂર હોય છે. અભ્યાસની કસોટીમાં આંકડાની જરૂર હોય છે, જિંદગીની પરીક્ષામાં એક અનુભવીની જરૂર હોય છે.

માતા પિતાથી છાત્રને પાર્થિવ શરીર મળે છે. પરંતુ, તેનો બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ તો ગુરુ દ્વારા જ થાય છે. તેથી ધર્મશાસ્ત્રોમાં ગુરુને માનસ પિતા કહેવામાં આવ્યા છે…

पुत्रमिवैनमभिनकांक्षन् । (आपस्तम्ब धर्मसूत्रम्… १/२/८) ગુરુ અને શિષ્યનો સંબંધ પિતા પુત્ર જેવો છે.

तस्माच्छ्रोत्रियमनूचानमप्रजोऽसीति न वदन्ति । (बौधायनधर्मसूत्रम्… १/११/१५) અનુસાર શ્રોત્રિય સદ્ગુરૂને સંતાનહીન ન સમજવા જોઈએ. તેમના છાત્ર શિષ્યો જ તેમના પુત્ર છે.

पूर्वं जातो ब्राह्मणों ब्रह्मचारी । तस्माज्जातं ब्राह्मणं ब्रह्म ज्येष्ठां । (अथर्ववेद… ११/७/३) “ગુરુના જ્ઞાન-ગર્ભમાંથી નીકળેલો વિદ્યાર્થી હવે ‘દ્વિજ’ બની ગયો છે. અત્યાર સુધી વિદ્યાર્થી બ્રહ્મચારી હતો, હવે બ્રાહ્મણ છે.”

એટલા માટે શિષ્યની તમામ જવાબદારી ગુરુના શિરે ગણાતી…

शिष्यपापं गुरोरपि । (अथर्ववेद… ११/३/१५) જો શિષ્ય કોઈ પાપ કરે તો તેના માટે ગુરુ આચાર્યને જ દોષી સમજવામાં આવતા હતા.

ગુરુજનોના આ મહત્ત્વને લીધે છાત્ર-શિષ્યો ગુરુકુલ વાસ દરમ્યાન ગુરૂની પ્રસન્નતા પામવા પુરુષાર્થ કરતા.

ગુરૂજનોની જીવનદ્રષ્ટિ :

અનાસક્તિને જ મહામૂડી, મહાશક્તિ અને મહાસિદ્ધિ માનતા ગુરુકુલના આ ગુરુજનોને કર્મયોગના અર્ચનથી સમગ્ર વિશ્વને માણવાની કે જીવનનો લહાવો લૂંટવાની કલા હસ્તગત હતી. વેદકાલીન ગુરુકુલોના સ્થાપક આ ગુરૂજનોએ જીવન અને મૃત્યુ બંનેની પરાકાષ્ઠા અનુભવી છે. તેઓમાં જેટલો વૈરાગ્ય છે તેટલો જ વૈભવ છે. વ્યાવહારિકજીવન અને અધ્યાત્મ-તત્ત્વજ્ઞાન બંનેને હારોહાર રાખીને તેમણે સ્થિતપ્રજ્ઞતા કેળવી છે.

નિઃસ્પૃહતા એ જ જેઓનો જીવનમંત્ર છે તેવા દૈવી ચેતના ધરાવતા અતીન્દ્રિય જ્ઞાનવાન ગુરુજનોએ ત્યાગ-વૈરાગ્યનો ભેખ ધરીને વનમાં બેસી જવાની ઈચ્છા નથી રાખી, જગતને ઝેર સમાન માન્યું નથી, જગતમાં જન્મ પામીને બધાં જ દુઃખ અને બંધનનું કારણ આગળ ધરીને જીવનને ધિક્કારપાત્ર માન્યું નથી, કારણ કે આ તો ઋષિ છે. નિરાશાવાદી કે તિરસ્કારવાદી હોવું એ ઋષિનું લક્ષણ જ નથી. તેઓ જીવનને ચાહતા, આવકારતા અને તટસ્થભાવે માણતા. તેઓને મન જીવન એક મહામૂલી અલૌકિક ઘટના છે… જુઓને, ગૃત્સમદઋષિ કપાસ ઉગાડી તેમાંથી કાપડ બનાવવામાં ગૂંથાયેલા છે… તો કુત્સ ઋષિ શૂરા છે, લડવૈયા છે… વળી, અથર્વાઋષિ અગ્નિની શોધમાં વ્યસ્ત છે.

જીવન પ્રત્યેના આદર અને અનુરાગથી પ્રેરાઈને આ ગુરુજનોએ દીર્ઘાયુની કામના કરી છે. સર્વની સુખાકારી અને ઉન્નતિનાં કાર્યો કરવા તેઓએ સો થી પણ વધારે વર્ષ જીવવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તે માટે તેઓએ તપ તપ્યાં છે, વરદાનો માગ્યાં છે અને મેળવ્યાં પણ છે. ‘शतं जीवेम् शरद:’ એ વેદમંત્રને તેઓએ ગૂંજતો રાખ્યો છે. ઋતને અનુકૂળ થઈ કર્મ કરતા રહી, સહજભાવથી જીવન જીવવું એ તેમનો શ્રેયમાર્ગ છે. વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના સ્વામી બનીને લાંબામાં લાંબું આયુષ્ય ભોગવી પ્રભુમય, સેવામય, છતાં મુક્ત જીવન જીવવાનું તેઓએ પસંદ કર્યું છે અને છતાં એ પણ ખરું જ કે તેઓએ મૃત્યુનો ડર પણ રાખ્યો નથી. જીવન પ્રત્યે રસ છતાં આત્મજ્ઞાનની તીવ્ર તરસને કારણે તેઓ આસક્તિરહિત બની શકતા.

ભારતીય સંસ્કૃતિના હાર્દરૂપ આ ગુરુજનો કહેતાં કે, “જગતમાં જે દેખાય કે અનુભવાય છે એ બધું આભાસી છે, ક્ષણિક છે, પરિવર્તનશીલ છે, નાશવંત છે, કશું જ કાયમી નથી, છતાંય કુદરતના ક્રમને માન આપી સર્વસ્વીકાર કરી જીવનમાં સક્રિય રહેવું એ એક ધર્મકાર્ય જ છે.”

અનેક યાતનાઓ આવવી હોય તો ભલે આવે, પણ આત્મા કચડાયેલો ન રહે એવો જેમનો જીવનમંત્ર છે તેવા આપણા પ્રાતઃસ્મરણીય ઋષિવર્યોની આધ્યાત્મિક અનુભૂતિઓ ઉચ્ચોચ્ચ અવસ્થાએ પહોંચી હતી, તેઓએ સાધનાના સુમેરુ સર કર્યા હતા. તેઓના વ્યવહારો પણ ઉદાત્ત અને વિશુદ્ધ હતા. ભૌતિક માર્ગે બાહ્ય વિકાસ કરતા આંતરિક માર્ગે અધ્યાત્મ વિકાસને તેઓ વધુ મહત્ત્વ આપતા. તેમના મતે જગત મિથ્યા હતું. જીવાત્માનું પરમાત્મા વિલીનીકરણ એ એકમાત્ર સત્ય તેમને પ્રતિત થયું. આથી, આ ઋષિમુનિઓએ ગુરુકુલની સરગમમાં અદૃશ્ય જગત સાથે આધ્યાત્મિક સત્તાનો સૂર મિલાવીને સંસ્કૃતિના સંગીતનું ગાન કર્યું અને પોતાના સંપૂર્ણ જીવનને એ માર્ગે વહાવ્યું.

ગુરૂજનોનું ચિંતન :

ગુરૂકુલના ગુરૂપદે પ્રવૃત્ત આ ગુરુજનો મહાનદી જેવા છે, જેના ત્યાગ-યોગના બંને કિનારા જળસંપન્ન રહ્યા છે. તેમાંથી એકાદ અંજલિપાન પણ અનેકને ઊર્ધ્વગામી બનાવી દે. ગૂઢજ્ઞાની ગુરૂજનોનું જીવન ચિંતન પણ ગહેરૂં હતું.

પોતાના દેહ અને ચોપાસની દુનિયાનું નિરીક્ષણ કરતા આ ઋષિઓ વિચારમાં પડી જાય છે. પ્રશ્ન-પરંપરાના લોઢ ઉછળે છે : ‘કોની ઈચ્છાથી, કોની પ્રેરણાથી મન વિષયો પ્રતિ દોડે છે ? કઈ શક્તિ કોના નિયંત્રણમાં રહી મન, વાણી અને ઈન્દ્રિયો પાસે પ્રવૃત્તિ કરાવે છે ?’ અનુભવની એરણે ચડી ઋષિઓ જગતની ગતિવિધિ જાણવા પ્રયત્ન કરી, તેમાં પોતાનો તર્ક ઉમેરી, ધીરેધીરે સંશોધન કરે છે, બુદ્ધિગમ્ય ઉત્તરો મેળવવા મથે છે અને કુદરતની અગાધ શક્તિનો સાક્ષાત્કાર કરે છે.

વળી ઋષિઓને પ્રશ્નો થતા : ‘જગતનું મૂળ કારણ શું ? આપણી ઉત્પત્તિ શામાંથી થઈ ? આપણને જીવન પ્રદાન કરનારી શક્તિ કઈ ? કોના નિયમનમાં રહી આપણે સુખ-દુઃખ, ઇચ્છા-અનિચ્છા અનુભવીએ છીએ ?’

ઋષિઓ વિચારતા થયા કે જગતના નિર્માણમાં કોઈ એક બીજ હોવું જ જોઈએ, જે આપણને બહાર દેખાતું ન હોય. જેમ એક નાનકડા બીજમાંથી વટવૃક્ષ બને છે, તેના અસંખ્ય પર્ણો, ફળ, ફૂલ બને છે, પણ તે ક્યારે અને કઈ રીતે બને છે, પોષણ ક્યાંથી કઈ રીતે મેળવે છે તે દેખાતું નથી. જમીનમાં રહેલા રસકસ કઈ રીતે ચૂસી લઈ વૃક્ષ વૃદ્ધિ પામે છે ? મૂળનો આધાર પૃથ્વી છે, પણ પૃથ્વીનો આધાર કોણ ? દેખાતું નથી. તે જ પ્રમાણે માનવ તથા અન્ય પ્રાણીસૃષ્ટિ કઈ રીતે જન્મ, વૃદ્ધિ અને અંત પામે છે તે તાદૃશ્ય થતું નથી. આ બધું શોધવા તેઓએ મથામણ કરી અને ઋતંભરા પ્રજ્ઞા વિકસાવવા પુરુષાર્થ આદર્યો.

ધીરેધીરે ચેતનાની સક્રિયતા અને જડત્વ બંને ઓળખાયાં. છેવટે તારણ કાઢ્યું કે પરમાત્મા કોઈ એક વ્યક્તિ નથી, સમગ્ર ચૈતન્ય જ પરમ તત્ત્વ છે. જેનો આદિ નથી તેનો અંત પણ નથી અને આમ ચૈતન્યની અવિરત યાત્રા ચાલુ જ રહે છે.

ઋષિઓએ સ્વાનુભવ કર્યો કે જગતના કારણરૂપ કોઈ શક્તિ હશે જ અને તો જ આ જગત છે એમ વિચારી આપણા દેહને જ એક નાનકડા જગતરૂપ ગણ્યું, પોતાની નાનકડી છતાં મહત્ત્વની નિરાળી દુનિયામાં ધ્યાનયોગ થકી પ્રવેશ કર્યો અને ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’નું સત્ય ઓળખ્યું-અનુભવ્યું. પરમાત્મા એક અલગ જ તત્ત્વ છે, જે ભલે આપણા સૌમાં સ્થિત છે, છતાં એ સૌથી પર છે – ઉપર છે, જગતના કારણરૂપ છે, જેનાથી જગત કાર્યરત છે. પ્રત્યક્ષ પરમ તત્ત્વનો અનુભવ કરવાનું જેઓને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા આ દ્રષ્ટાઓએ જે વાણી ઉચ્ચારી તે સર્વોત્તમ અમર વાણી, જેને આપણે મંત્ર કે ઋચાઓ તરીકે સર્વોચ્ચ સ્થાન આપ્યું.

ચિંતનપરાયણ ઋષિઓ સમજી ચૂક્યા હતા, કે સંસારની વિશાળ સંપત્તિ કે સુખ-સાહ્યબી માનવમનને સાત્ત્વિક શાંતિ અને મુક્તિનો આસ્વાદ આપી શકે તેમ નથી, તેથી તેઓ સર્વ બંધનોથી મુક્ત રહી અંતરંગ સાધના તરફ ઢળતા રહ્યા, પરંતુ તેથી જીવનને બોજારૂપ ન ગણ્યું, કારણ કે જીવનમાં જ વિકાસની અદ્ભુત શક્તિ છે. થયેલી ભૂલો સુધારવાની શક્યતા છે. જરૂર છે મનને તથા જીવનને સાત્ત્વિક સદ્વિચાર અને સદ્ભાવનાથી ભરી દેવાની.

મળેલા દીર્ઘાયુ જીવનનો આદર કરતાં ઋષિઓએ વિચાર્યું કે સુંદર રીતે જીવવા વિવિધ હુન્નરો, કલાઓ શીખવાં પડે. તે માટે પુરુષાર્થ અનિવાર્ય છે. અહમ્ અને મમત્વ છોડી નિઃસ્વાર્થભાવે કર્મ કરતા રહેવું એ જીવન જીવવાની ઉત્તમ કલા તેઓએ સંપાદિત કરી અને ગુરુકુલના માધ્યમે એ જ્ઞાન સમાજમાં વહેતું મૂક્યું. જીવ અને શિવનું અભિનવ ઓળખતા ઋષિઓ પ્રાણીમાત્રને પરબ્રહ્મના અંશરૂપે નિહાળતા હોવાથી સૌ પ્રત્યે પૂરો આદર પ્રકટ કરી ગુરુકુલ દ્વારા જ્ઞાનદાન કરતા.

આ પ્રાજ્ઞ ઋષિઓએ સમાજને જાગૃત રાખવા, સાચી સમજણ ફેલાવવા ગુરુકુલમાં જ્ઞાનશિબિરો યોજવાની શરૂ કરી… સમાજને શ્રેયમાર્ગ બતાવવાનો ઉપાય શોધ્યો… તેમાંથી ગુરુ-શિષ્ય-પરંપરાનો જન્મ થયો. શિષ્યસમુદાય થકી જ્ઞાન જીવંત રહે, પ્રસારણ પામતું રહે તે માટે તેઓએ પુરુષાર્થ આદર્યો… ગુરુજનોના ચિરંતન ચિંતનથી ગુરુકુલ સરિતાનો સ્રોત વહેતો રહ્યો.