AI Generated Image

ગુરુકુલમાં શિક્ષાનો પ્રારંભ થાય તે પૂર્વે મુંડન, ઉપનયન જેવા સંસ્કારોનો વિધિ કરવામાં આવતો… આપણી ભારતીય સંસ્કૃતિમાં આવા સંસ્કારનું અતિ મહત્ત્વ છે… સંસ્કાર એટલે શું ? સંસ્કાર એટલે સંસ્કારવું, પરિશુદ્ધ કરવું, ઉપયોગમાં આવે તેવું કરવું… બંસી ઘઉંનો દાણો, દાણિયા જેવો મોટો અને ઝગારા મારે તેવો ક્યારે થાય ? તેના પર વિવિધ સંસ્કારોની પ્રક્રિયા કરીએ ત્યારે. ખેતરેથી વાઢીને ખળામાં લાવી તેના પર શુદ્ધીકરણની ઘણીબધી ક્રિયાઓ ક્રમબદ્ધ કરવી પડે પછી તે ઘઉં ગ્રહણ કરવા લાયક બને છે… તે જ રીતે બાળક પર વિવિધ ધાર્મિક સંસ્કારોની પ્રક્રિયા થાય, ગુરુકુલમાં વિધિવત્ વેદાધ્યયન કરે, ત્યાર પછી તે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે. આવો સંસ્કારેલો ગૃહસ્થ કર્મ અકર્મના ભેદ પારખીને, કરવાલાયક કર્મોની પ્રવૃત્તિ કરે તો જ ગૃહસ્થજીવનમાં પ્રતિભા પ્રગટે અને એ પ્રતિભાનો પડછાયો સમાજની સપાટી પર સુંદર ભાત પાડે. તેથી વેદકાલીન ગુરુકુલોમાં શિક્ષાનો આરંભ થાય એ પૂર્વે મુંડન, ઉપનયન જેવા સંસ્કારવિધિ કરવામાં આવતા.

મુંડન અને મેખલાબંધન :

AI Generated Image

બાળકના જન્મ પછી જાતકર્મ; નામકરણ; અન્નપ્રાશન, ચૂડાકર્મ, મેખલાબંધન વગેરે સંસ્કારો કરવાનું જણાવ્યું છે, તેમાં વિદ્યારંભ પૂર્વે પુત્રના માથાના મુંડનને પણ એક સંસ્કારરૂપે ગણતા ઋષિ અથર્વા અથર્વવેદના છઠ્ઠા કાંડના ૬૮મા સૂક્તમાં જણાવી રહ્યા છે :

“આ સવિતા દેવ છે, જે મારા પુત્રનાં મુંડન કરવા માટે અસ્ત્રાની સાથે આવી પહોંચ્યા છે. ઓ દેવ વાયુ, તમે ગરમ જલ લઈ આવો. બાર આદિત્યો, અગિયાર રુદ્રો અને આઠ વસુઓ સચેત સાવધાન થઈને આ પુત્રના માથાને ભીંજવી દો. ઓ પ્રચેતા જ્ઞાનીજનો, તમે આ પુત્રના માથાનું મુંડન કરો, જે પોતે સોમરાજના રૂપે રહે છે.”

“માતા અદિતિ પુત્રનાં શ્મશ્રુ – વાળનાં વપન કરો. જલ – આપો દેવીઓ તેજની સાથે વાળને ભીંજવો. દેવ પ્રજાપતિ આ પુત્રના શરીરની ચિકિત્સા સારી રીતે કરો. જેથી, તે બાળકને દીર્ઘદ્રષ્ટિ મળી રહે.”

“સારા જાણકાર સવિતાએ જે અસ્ત્રાથી રાજા વરુણ અને રાજા સોમના વાળનાં મુંડન કર્યાં હતાં; તે જ અસ્ત્રાથી ઓ બ્રહ્મ-મંત્રને જાણનાર બ્રહ્મા ઋષિ તમે જ આ પુત્રનાં મુંડન કરો; જેથી મારો આ પુત્ર ગાયો, ઘોડા અને પ્રજાજનોથી સમૃદ્ધ થાય.”

અહીં મુંડન જેવા સંસ્કારમાં પણ દિવ્ય ભાવના જોડવામાં આવી છે.

ત્યારબાદ બાળક મોટો થતાં, તેની કેડ પર મેખલા – દોરી બાંધવામાં આવે છે એ મેખલાબંધન સંસ્કાર વિષે ઋષિ અગસ્ત્ય અથર્વવેદના છઠ્ઠાકાંડના ૧૩૩મા સૂક્તમાં જણાવે છે :

“આ બ્રહ્મચર્ય માટે ગાયત્રીમંત્રની દીક્ષા આપનાર આચાર્ય ગુરુ મારા દેવ છે, જેમણે મને મેખલા બાંધી છે. જેમણે મને વિદ્યા મેળવવા માટે તૈયાર કર્યો છે, જેમણે મને વ્રતમાં જોડ્યો છે, જે દેવના શુભાશિષથી અમે બધા વ્યવહાર કરીએ છીએ, તે દેવ અમને વિદ્યાની પારે પહોંચાડવાની ઈચ્છા કરે અને અમને અજ્ઞાનનાં બંધનથી છોડાવે.”

“ઓ મેખલા, તને અમે પ્રેમથી બોલાવીએ છીએ અને પ્રેમથી તારો આદરસત્કાર કરીએ છીએ; કારણ કે, તું અમારા જીવનને મર્યાદામાં રાખે છે. તું આર્ષદ્રષ્ટા મુનિઓનું અમોઘ આયુધ છે. જીવનનાં વ્રત પાળવા માટે તને બાંધવામાં આવી છે. જે શત્રુઓ અમારાં વ્રત અને વિદ્યામાં વિઘ્ન ઊભા કરે છે, તેનો તું વિનાશ કર.”

“મને મૃત્યુનો ભય નથી, કારણ કે હું મૃત્યુનો બ્રહ્મચારી છું અને તેથી આ પ્રાણીજગતમાંથી એકાદ પુરુષને મેં મૃત્યુ માટે ચૂંટી કાઢ્યો છે; એટલું જ નહિ પણ હું તે પુરુષને બ્રહ્મમંત્ર, તપ-સ્વાધ્યાય અને શ્રમના સાધન મેળવી આ મેખલાની સાથે બાંધું છું; અર્થાત્ આ બ્રહ્મચારી પોતે જ બ્રહ્મ, તપ અને શ્રમ સેવી મેખલા બાંધી મૃત્યુને તરી જાય છે.”

“આ મારી જીવનમર્યાદા સમી મેખલા છે, જે શ્રદ્ધાની દુહિતા-દીકરી છે, જે તપથી જન્મેલી છે અને જે ભૂતમાત્રની રચના કરનાર ઋષિઓની બહેન છે. ઓ મેખલા, તું અમને ઉત્તમ બુદ્ધિ અને ધારણાશક્તિ આપ. તું અમને તપની શક્તિ અને ઇન્દ્રિયોનાં બળ આપ… ઓ મેખલા, પહેલાંના તપસ્વી ઋષિઓએ તને બાંધી છે, તું મને આલિંગન આપ, જેથી હું લાંબું જીવું.”

બ્રહ્મચારીને માતાપિતાની હાજરીમાં મેખલાબંધનનો સંસ્કાર આપવામાં આવતો અને પછી તે ગુરુકુલમાં જતો. ત્યાં આચાર્ય તેના પિતા અને ગાયત્રી તેનાં માતા બનતાં. એ તેનો બીજો જન્મ ગણાતો. તે દ્વિજ બનતો અને વિદ્યા મેળવી જીવનને સમૃદ્ધ બનાવતો.

ઉપનયન સંસ્કાર :

AI Generated Image

વિદ્યાભ્યાસ માટે ઉપનયન સંસ્કાર અનિવાર્ય હતો. જેમ બાપતિસ્મા વગર કોઈ ખ્રિસ્તી નથી બની શકતું અને કલમા વગર કોઈ મુસ્લિમ નથી બની શકતું. એ જ રીતે, વેદકાલીન યુગમાં ઉપનયન વિધિ કર્યા વિના કોઈ બાળક – વિદ્યાર્થી વિદ્યાપ્રાપ્તિ કરી શકતો ન હતો. ઋગ્વેદમાં ઉપનયનવિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે…

देवा एतस्यामवदन्त पूर्वे सप्तऋषयस्तपसे ये निषेदुः ।

भीमा जाया ब्राह्मणस्योपनीता दुर्धां दधाति परमे व्योमन् ॥ (ऋग्वेद:.. १०/१०९/४)

યાજ્ઞવલ્ક્ય ઋષિ ઉપનયન વિધિનો ઉલ્લેખ કરતા કહે છે કે,

उपनीय गुरुः शिष्यं महाव्याहृतिपूर्वकम् ।

वेदमध्यापयेदेनं शौचाचारांश्च शिक्षयेत् ॥ (याज्ञवल्क्य स्मृति… १/१५)

આપસ્તંભ અને ભરદ્વાજઋષિ ઉપનયનનો ઉદ્દેશ વિદ્યાપ્રાપ્તિ માને છે. એટલા માટે જ, તત્કાલીન ગુરુકુલમાં ઉપનયન વિધિ પછી જ વિદ્યાર્થી – શિષ્ય વિદ્યારંભ કરી શકતો હતો. વર્તમાન ભાષામાં કહેવું હોય તો… ઉપનયન વગર ગુરુકુલમાં એડમીશન મળવું અશક્ય હતું.

‘ઉપનયન’ નો શાબ્દિક અર્થ થાય છે ‘નજીક લઈ જવું’ એટલે કે શિક્ષણ માટે સ્વને ગુરુ પાસે લઈ જવું. તેથી, ઉપનયન એટલે વિદ્યાભ્યાસાર્થે ગુરુ પાસે જવું. મોટાભાગે ઋષિ કે મહર્ષિ પોતાના વિશાળ ગુરુકુલમાં જ બાળકોને જનોઈ આપતા. બ્રાહ્મણને આઠ વરસની ઉંમરે, ક્ષત્રિયને દસ વર્ષે તથા વૈશ્યને બાર વર્ષે જનોઈ અપાતી. આના પરથી ગુરુકુલમાં વિદ્યારંભની ઉંમર સ્પષ્ટ થઈ જાય છે.

ઉપનયનથી શિષ્ય ‘દ્વિજ’ બને. પ્રથમ જન્મ માતાકૂખે, બીજો જન્મ ગુરુના હાથે. ઉપનયન વિધિમાં ગુરુ શિષ્યને જનોઈ આપે.

वसन्तो ग्रीष्मश्चरदित्यृतवो वर्णानुपूर्व्येण ॥ (आपस्तम्ब गृह्यसूत्रम्… १०/४)

“બ્રાહ્મણને વસંતઋતુમાં, ક્ષત્રિયને ગ્રીષ્મઋતુમાં અને વૈશ્યને શરદઋતુમાં ઉપનયન સંસ્કાર કરાવવો…”

ઉપનયન સંસ્કાર વખતે બ્રાહ્મણ માટે ગાયત્રી મંત્ર, ક્ષત્રિય માટે ત્રિષ્ટુભ મંત્ર અને વૈશ્ય માટે જગતિ મંત્ર સ્વીકાર્ય હતો…

गायत्या ब्राह्मणमसृजत त्रिष्टुभा राजन्यं जगत्या वैश्यं ॥ (बौधायन धर्मसूत्रम्… १/२/१२)

ત્રણ ત્રણ તાંતણાની એક સે૨… એવી ત્રણ સે૨ની સૂતરની જનોઈ બ્રાહ્મણ છાત્રને, તેવી જ શણની જનોઈ ક્ષત્રિયને તથા તેવી જ ઊનની જનોઈ વૈશ્યને આપવામાં આવતી. બધાની જનોઈને જમણી બાજુ વળ અપાતી.

ઉપનયન વિધિમાં ગુરુ બાળકને બ્રહ્મચારી અર્થાત્ બ્રહ્મને પામવા માટે જેવું આચરણ જોઈએ તેવા આચરણવાળો કરે. ગુરુ જનોઈ આપે એટલે તે બાળક “વિદ્યાર્થી – છાત્ર” થયો ગણાય. શાસ્ત્રોમાં તેને ‘બ્રહ્મચારી’ કહેવાય છે.

ब्रह्मचारी ब्रह्म भ्राजद्विभर्ति तस्मिन्देवा अधि विश्वे समोताः ।

प्राणापानौ जनयन्नाद्व्यानं वाचं मनो हृदयं ब्रह्म मेधाम् ॥ (अथर्ववेद… ११/५/ २४ )

“બ્રહ્મચર્યનું પાલન કરનાર બ્રહ્મચારીમાં તેજોમય બ્રહ્મ અને દેવતા અધિવાસ કરે છે.”

आचार्य उपनयमानो ब्रह्मचारिणं कृणुते गर्भमन्तः ।

तं रात्रीस्तिस्र उदरे बिभर्ति तं जातं द्रष्टुमभिसंयन्ति देवाः ॥ (अथर्ववेद… ११/५/३ )

“ઉપનયન વિધિ કર્યા પછી ગુરુ શિષ્યને પોતાના ગર્ભમાં ધારણ કરે છે. તેને ત્રણ રાત સુધી પોતાના ઉદરમાં રાખે છે. પછી જ્યારે તે શિષ્યનો જન્મ થાય છે, ત્યારે દેવતાઓ તેના દર્શન કરવા એકત્ર થાય છે.”

ઉપનયનવિધિ પૂરી થયા પછી છાત્રને ગુરુમંત્રનો ગુપ્ત ઉપદેશ અક્ષાય, ગુરુમંત્ર અધિકાર વગરના છાત્રને ન અપાય. આ ઉપદેશ પછી છાત્ર-બ્રહ્મચારી વેદાધ્યયન માટે લાયક બને.

बालः कृतोपनयनो वेदाहरणतत्परः ।

गुरूर्गृहे वसेद्भूय ब्रह्मचारी समाहितः ॥ ( बौधायन गृह्यसूत्रम्… १/२/४२ )

શિષ્ય શિક્ષાર્થી ઉપનયન પછી બ્રહ્મચર્યધર્મનું પાલન કરતાં થકા ગુરુગૃહ-ગુરુકુલમાં રહીને વિભિન્ન વિષયોની શિક્ષા પ્રાપ્ત કરતા હતા. વિદ્યાર્થીનો ગુરુકુલમાં પ્રવેશ કરવો એ તેનો દ્વિતીય જન્મ ગણાતો હતો, જે તેના જીવનની ગૌરવમયી ઘટના હતી.

વેદાધ્યયન અને યજ્ઞ-વિધિ :

વેદાધ્યયન શ્રાવણી પૂનમે – બળેવે શ્રવણ નક્ષત્રથી શરૂ થાય. માટે જનોઈનું મુહૂર્ત તેનાથી વહેલું આવ્યું હોય તો તે બ્રહ્મચારી ગુરુકુલમાં સંધ્યાવંદન શીખીને નિયમ મુજબ હંમેશા તેનું આચરણ કરે. ગુરુની આજ્ઞાનુસાર યજ્ઞશાળામાં વસતા અગ્નિની સેવા કરે, ભગવદ્ પૂજન – અનુષ્ઠાન માટે પુષ્પો ચૂંટી લાવે, સાયંપ્રાતઃ ભિક્ષાટનની સેવા કરે, ગાયોની સેવા કરે તથા સમિધો લઈ આવે. સમિધને જંતુરહિત રાખવા માટે લાવ્યા પછી બે દિવસ તડકે સૂકવે. સમિધ ખાખરો, ખેર, અઘેડો, ઉંબરો, પીપળો, પીપર, વડ કે ખીજડાનાં હોય. બાર આંગળ લાંબાં ટચલી આંગળી જેટલાં જાડાં, સૂકાં અને છાલવાળાં હોય. સમિધ સેવા સર્વોત્તમ સેવા ગણાતી.

ઉપનયનાંતર વેદાભ્યાસ આરંભ દિને આચાર્ય (ગુરુ) વેદારંભ વેદી પાસે આવીને બેસે. પછી આચમન, પ્રાણાયામાદિ કરીને, ઈષ્ટ દેવતાનું સ્મરણ કરીને, પંચભૂ-સંસ્કારપૂર્વક અગ્નિસ્થાપન કરે. અનંતર દેશકાળાદિનું ઉચ્ચારણ કરીને ‘अस्तु वटोर्यजुर्वेदादिक्रमेण वेदारम्भं करिष्ये’ એવી રીતે સંકલ્પ કરે.

પછી વેદારંભ-હવન, સ્વિષ્ટકૃદાદિહવન અને સંસ્રવપ્રાશનાદિ કર્યા પછી, બ્રહ્મા વગેરેને પૂર્ણ પાત્ર પ્રદાન કરે અને તેમની પાસેથી આશીર્વાદ લે. પછી બ્રહ્મચારી ગણપત્યાદિ દેવતાઓ અને ગુરુદેવની પૂજા કરીને વેદોનો અભ્યાસ શરૂ કરે.

ગુરુ બ્રહ્મચારીને ઉત્તરમુખી કે પૂર્વમુખી પ્રાગગ્ર કુશ પર બેસાડીને, સ્માર્તાર્ચન, પ્રાણાયામ અને બ્રહ્માંજલિ કરાવીને, પ્રણવવ્યાહૃતિપૂર્વક સમસ્ત ગાયત્રીને ભણાવ્યા પછી, સૌ પ્રથમ પરંપરાગત સ્વશાખાનો વેદાભ્યાસ પ્રારંભ કરાવે.

જે દિવસથી વેદાધ્યયન શરૂ થાય તે દિવસથી છાત્ર બ્રહ્મચારી ‘માણવક’ કહેવાય.

यच्छाखीयैस्तु संस्कारैः संस्कृतो ब्राह्मणो भवेत् ।

तच्छाखाध्ययनं कार्यमन्यथा पतितो भवेत् ॥

अधीत्य शाखामात्मीयां परशाखां ततः पठेत् ।

पारम्पर्यगतो येषां वेदः सपरिबृंहणः ॥

तच्छाखं कर्म कुर्वीत तच्छाखाध्ययनं तथा ।

एवमध्ययनं कुर्वन् ब्रह्मसायुज्यमाप्नुयात् ॥

(वसिष्ठ-वीर मित्रोदय… संस्कारप्रकाश… भाग-૧, पृष्ठ-૩૩૮)

“પ્રારંભમાં પોતાની શાખાનો વેદ ભણવો પડે. પ્રારંભમાં જ અન્ય શાખાનો વેદ ભણવાથી છાત્ર પતિત થાય છે. વળી, પ્રારંભમાં પોતાની શાખાનો વેદ ભણ્યા પછી અન્ય શાખાના વેદ ભણી શકાય. આવી રીતે, નિયમથી વેદાભ્યાસ કરનાર છાત્ર બ્રહ્મ સાયુજ્યને પામે છે…”

વેદારંભ થયા પછી પુનઃ શિષ્ય પૂર્વવત્ પ્રણવવ્યાહૃતિપૂર્વક સમસ્ત ગાયત્રીનો પાઠ કર્યા પછી ‘ॐ विरमोડસ્તુ’ કહીને ચરણસ્પર્શથી ગુરુને પ્રણામ કરે. વેદારંભ-કર્મના સાંગતાસિદ્ધિઅર્થે શિષ્ય આચાર્યને યથાશક્તિ દક્ષિણા આપે અને આચાર્ય શિષ્યને આશીર્વાદ આપે. અનંતર બ્રહ્મચારી શિષ્યના પિતા આચાર્ય-ગુરુ તથા ગુરુકુલમાં નિવાસ કરતા તમામ છાત્રોને ભોજન કરાવે.

વેદાધ્યયન શરૂ થયા પછી ચાર પૈકીના કોઈ એક વેદનું, વેદાંગ સહીત અધ્યયન કરવા માટે ઓછામાં ઓછા નવ વરસ અને વધુમાં વધુ બાર વર્ષ ગુરુકુલમાં એકધારા ગાળવાં પડે. ઘેર ન જવાય. ઘેર જાય તો ફરી એકડે એકથી શરૂ થાય. આ કારણે વેદાધ્યયન પ્રારંભના… બળેવના દિવસે બાર વર્ષના લાંબા ગાળાની સુચારુ માટે બહેન ભાઈને રાખડી બાંધે.