માત્ર સમસ્યાની ચર્ચા નહીં, પણ વાસ્તવિક નિરાકરણ એટલે ગાંધીત્વ

માત્ર સમસ્યાની ચર્ચા નહીં, પણ વાસ્તવિક નિરાકરણ એટલે ગાંધીત્વ
New Update

સોશિયલ મિડીયા, ટીવી મિડીયા, પ્રિન્ટ મિડીયા, સિનેમા, નાટકો, સાહિત્ય અને કલાનો અભ્યાસ કરીને જ્યારે કોઈ ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણે સમસ્યા સમજાતા હોઇએ છે. મહદઅંશે આપણી ચર્ચા સમસ્યા સંદર્ભે હોય છે, પણ પરિણામલક્ષી નથી હોતી. ભ્રષ્ટાચારની વાત કરવી અને સામનો કરવા વચ્ચે અંતર છે. જાહેરમાં મહીલાઓની છેડતી કરનારાની ટીકા કરવી અને તેમનો સામનો કરવા વચ્ચે પણ એ જ અંતર છે. જ્યારે ચર્ચા કરીએ અને તેને પરિણામલક્ષી બનાવી શકીએ તેને ગાંધીત્વ કહેવાય. ગાંધીએ મહીલા ઉત્કર્ષની ખાલી વાતો નથી કરી, માત્ર અશ્પૃશ્યતાનિવારણની વાતો નથી કરી પણ ખુલ્લા મેદાનમાં જંગ ખેલ્યો છે. 1933 થી દશ વર્ષ અશ્પૃશ્યતાનિવારણ માટે આપી દીધા હતાં. ગાંધીત્વ માત્ર ફેસબૂક કે વોટ્સએપ નથી પણ નક્કર છે. અહિંસાની વાત કરવી અને લડત આપવી એ માટે જબરજસ્ત તાકાત જોઈએ, એ પણ ક્યારે? જ્યારે તમે એક ગુલામ દેશના નાગરિક છો અને બીજા દેશમાં કામ કરવા જવાનું છે. બીજા દેશમાં કોઈ પણ સહારા વગર લડવા માટે જીગર જોઈએ. આફ્રિકામાં જે માણસ ગાંધીને જેલમાં પૂરી દે અને ગાંધી જેલવાસ દરમિયાન એ જ જનરલ સ્મટ્સ માટે જૂતાં બનાવે એ ગાંધીની મહાનતા છે. જનરલ સ્મટ્સ કે જેણે ગાંધી ને પરેશાન કરવા માટે કોઈ કસર છોડી ન હતી, એ જનરલ જૂતાંનો ભેટ તરીકે સ્વીકાર કરે અને આખી દુનિયાને જણાવે કે, આ જૂતા પહેરવાની લાયકાત મારાંમાં નથી...આજે પણ સાઉથ આફ્રિકામાં મ્યુઝિયમમાં આ જૂતાં સાચવી રાખવામાં આવ્યાં છે. સાઉથ આફ્રિકા આજે પણ ગૌરવથી કહે છે કે તમે મોહનદાસ આપ્યા પણ અમે મહાત્મા બનાવીને પરત આપ્યા.

એની વે, આપણે વાત કરવી હતી કે સમસ્યા, તેનો સંતુલિત ઉપાય અને તેના પર કાર્ય થાય તો ગાંધીવાદ પૂરો થયો ગણાય. ગાંધીજીએ જ્યારે ટિળક પાસેથી આઝાદીના આંદોલનનું નેતૃત્વ સ્વીકાર્યું અને સ્વદેશી આંદોલનની શરૂઆત કરી. કોંગ્રેસ સભામાં સુષ્ઠુ સુષ્ઠુ વાતો બંધ કરીને આંદોલન માટે રણનીતિ બની. આખી દુનિયા જેલમાં જતાં ડરે અને ગાંધીએ આખા સમાજને ડરમુક્ત કરી દીધો. જનરલ સ્મટ્સ સહિત અનેક અંગ્રેજ અધિકારીઓએ કહ્યું હતું કે ગાંધી હથિયાર ઉઠાવે તો હમણાં આંદોલન ખતમ કરી નાખીએ પણ અહિંસક મક્કમતા ધરાવતા આંદોલન સામે અમને લડતા જ નથી આવડતું. ગાંધીજી એ પણ કહ્યું હતું કે લોકશાહીને વરેલા અંગ્રેજ સામે આ પ્રકારનું આંદોલન કરી શકાય પણ જર્મન સામે આંદોલન કરવું હોત તો કોઈ નવી જ સ્ટ્રેટેજી વિચારી હોત... યુરોપ કે જાપાનના કપડાનો બહિષ્કાર કરવામાં આવ્યો. સવાલ એ પણ આવ્યો કે આટલી મોટી સંખ્યામાં ભારતીયો માટે કપડાંનું આયોજન કેવી રીતે કરવું, ગાંધીજીએ તેનો પ્રામાણિક રસ્તો શોધ્યો અને તે હતો ચરખો. એક ચરખો દેશમાં ક્રાંતિનું સાધન બની ગયો. સ્વરોજગારી અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કર્યા પછી જ આંદોલન કરવું જોઈએ.

આપણે શરૂમાં જ વાત કરી કે ભ્રષ્ટાચારની ચર્ચા કરવી છે પણ તેના પર કામ કરવું મુશ્કેલ છે. આજે જેટલા પણ વૈશ્વિક કૌભાંડ બહાર આવ્યા છે, તે તમામ નોનજર્નાલિસ્ટ પાસેથી આવ્યા છે. ગાંધી પણ નોનજર્નાલિસ્ટ હોવા છતાં જર્નાલિઝમના આદર્શ બની ગયા. આપણા હાથમાં સોશિયલ મીડિયા જેવું પાવરફૂલ મિડીયા હોવા છતાં સત્ય લખતા આપણે ડરીએ છીએ. આપણને ટ્રોલ થવાનો સતત ડર રહેતો હોય છે. જ્યારે એ જમાનામાં આફ્રિકામાં ગાંધીએ સત્ય લખવા માટે ચાર ભાષામાં ન્યૂઝપેપર શરૂ કર્યું હતું. વર્ષ ૧૯૦૪માં ગુજરાતી, હિન્દી, તમિલ અને અંગ્રેજીમાં ઇન્ડિયન ઓપિનિયન નામનું વૃત્તપત્ર શરૂ કર્યું હતું. જો કે હિન્દી અને તમિલ ભાષામાં વૃત્તપત્ર બંધ થઈ ગયું હતું. ઇન્ડિયન ઓપિનિયનમાં લખવા માટે ગાંધી ખૂબ વાંચન કરતાં, દર મહીને બસો કરતાં વધુ મેગેઝિન મંગાવતા. આ સમયે જ રસ્કિન કે થોરોને વાંચીને સત્યાગ્રહ અને અસહકાર આંદોલનના બી રોપ્યા હતાં. તેમની વાંચન, વિચાર અને લખાણોની આ મહેનત ભારતમાં કામ લાગી. દક્ષિણ આફ્રિકામાં પત્રકારનો અનુભવ જ્યારે ભારતમાં નવજીવન શરુ કર્યું ત્યારે ખૂબ કામ લાગ્યો હતો.

ગાંધીજીએ સૌથી શ્રેષ્ઠ પ્રદાન કર્યું હોય તો તેમની આત્મકથા, સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો ગુજરાતી સાહિત્યનું વૈશ્વિક પ્રદાન છે. ગાંધી પહેલાં નર્મદ અને નારાયણ હેમચંદ્ર નામના વિદ્વાનોએ આત્મકથા લખી હતી, આ બંને કથાકનોમાં આત્મકથા કરતાં સમસ્યાઓ તરફ વધુ લખવામાં આવ્યું હતું. વિશ્વની લગભગ તમામ ભાષાઓમાં અનુવાદ થયેલી જવલ્લે જ જોવા મળે તે કક્ષાની કોઈ આત્મકથા મહાત્મા ગાંધીની હતી. આત્મકથામાં કોઈ પણ વ્યક્તિને બદનામ કર્યા વિના પોતાની ખામીઓ સમાજ સમક્ષ લાવ્યાં હતાં. બાળપણની ચોરી હોય કે ઇંગ્લેન્ડ વસવાટ દરમિયાન પરસ્ત્રી ગમનનો કિસ્સો હોય તો પોતાના મનમાં ચાલતા વિચારો પણ સ્પષ્ટતા પૂર્વક લખ્યાં છે. પિતાના મૃત્યુ સમયે પત્ની કસ્તુરબા સાથે હોવાનો અફસોસ પણ સ્વીકારી લીધો છે. કોઈ પણ જાતની આત્મશ્લાઘા કર્યા વિના સતત પોતાની ટીકા કરવી એ સામાન્ય ખેલ નથી, જ્યારે આત્મકથા પબ્લિશ થઈ ત્યારે ભારતીય વાચક મેચ્યોર થયો ન હતો, જો કે એ તો હજી પણ મેચ્યોર થયો નથી. એ વાચક સમક્ષ આ હદે સત્ય લખવું એ આસાન નથી. જિંદગી ના અંતિમ તબક્કે બ્રહ્મચર્યના પ્રયોગ પણ જાહેર રાખવા એ કોઈ નેતા ન કરી શકે.

મૂળે તો ગાંધી ચુસ્તપણે હિન્દુ સંસ્કાર ધરાવે પણ આફ્રિકામાં મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મનો ઉંડો અભ્યાસ કર્યો હતો. જૈન અને બુદ્ધ જાણે આત્મસાત થઈ ગયાં હતાં. ગાંધીજીના જીવનમાં આ તમામ ધર્મગ્રંથોની અસરો રહી હતી. હિન્દુ તરીકે ગૌરક્ષાના આગ્રહી તો જે વ્યક્તિ પુનર્જન્મમાં ન માનતો હોય તેને ગાંધીજી હિન્દુ જ માનવા માટે તૈયાર ન હતાં. ધર્મવટાળને નિંદનીય માનતાં ગાંધી જૈનધર્મ સાથે અહિંસા પર શ્રદ્ધા રાખતાં. સાથોસાથ માનતાં કે મચ્છર મારવામાં કે આશ્રમમાં પરેશાન કરતાં કૂતરા વાંદરાને મારવામાં કોઈ પાપ લાગતું નથી. આ વાત પરથી એટલું તો સમજી શકાય કે ગાંધી પાસે પોતાની આગવી દ્રષ્ટિ પણ હતી. આંધ્ર પ્રદેશમાં પ્રચલિત દાસીપ્રથાનો પણ વિરોધ કર્યો હતો. ગાંધી યુગની અસર એટલી રહી કે છેક દૂરદર્શનના એંસીના દાયકા સુધી લખાણો અને ચરિત્ર્યો મૂલ્ય આધારિત રહ્યા હતાં. પન્નાલાલ પટેલ, સુંદરમ, ઉમાશંકર જોષી, ઇશ્વર પેટલીકર, મેઘાણી હોય કે ધૂમકેતુ સતત ગ્રામ્ય જીવન અને ચારિત્ર્ય પર જ સાહિત્ય લખાતા ગયાં. માલગુડી ડેઝ શીર્ષક હેઠળ ત્રીસ કરતાં વધુ કથાકનો લખવામાં આવ્યાં હતાં, પણ ગાંધી મૂલ્યો હેઠળ માત્ર બાળકો મુખ્ય પાત્રો હોય એવાં જ કથાકનો પર એપીસોડ બનાવવામાં આવ્યાં હતાં. આ ગાંધી વિચારોની તાકાત છે. દુનિયામાં સત્ય અને અહિંસાથી ઘેલા કરનારા માણસ પર ફિલ્મ પણ એક બ્રિટિશરે બ્રિટિશ એક્ટરને ગાંધી બનાવીને જાજરમાન રીતે રજૂ કરી. આ ફિલ્મને જોઇને ફિલિપાઇન્સમાં ક્રાંતિ સર્જાય એ વિરલ ઘટના માત્ર ગાંધીનામ પર જ થાય. હસમુખ પાઠકે તેમના મૃત્યુ પર સુંદર પંક્તિઓ લખી હતી,

આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય , ગાંધી કદી સૂતો નથી.....

Blog by Deval ShastriDeval Shastri

#લેખ
Here are a few more articles:
Read the Next Article