"ઋગ્વેદનો યોધ્ધો ઇન્દ્ર : जो लड़ सका है वो ही तो महान है"

"ઋગ્વેદનો યોધ્ધો ઇન્દ્ર : जो लड़ सका है वो ही तो महान है"
New Update

વેદ એટલે નોલેજ. આ વેદનો પ્રારંભ એટલે ભારતીય સાહિત્યનો પ્રારંભ. ભારતીય વિચારધારાનો પ્રારંભ એટલે ઋગ્વેદ. ઋગ્વેદના મંત્રોને ઋચા કહેવાય. ઋગ્વેદમાં સૌથી વધુ મંત્રો ઇન્દ્ર માટે છે, આ એ જ ઇન્દ્ર છે જેને ક્યારેક મહાન યોદ્ધા તરીકે યાદ કરીએ છીએ, તો ક્યારેક સાવ સામાન્ય માણસ જેવી ઘેલછા માટે...ક્યારેક દેવોનો દેવ તો ક્યારેક સાવ હલકા કામ માટે... કન્ફ્યુઝ કેરેક્ટર.... એ જ ભારતીય સાહિત્યની વિશેષતા છે, કોઈ પરફેક્ટ નથી. જો તે દેવાધિદેવની ક્વોલિટી ધરાવે છે તો અંદર એક પશુત્વ પણ ધરાવે છે. એક પાસું સારું હોય તો એણે સર્વગુણસંપન્ન થવું જરૂરી છે? વૈદિક ઇન્દ્રનુ ઉદાહરણ તો આપણને સ્પષ્ટ ના પાડે છે. દરેકમાં વૈવિધ્યસભર ગુણો છે, જો દેવાધિદેવ દેવ ઇન્દ્રની ક્વોલિટી સ્વર્ગનો રાજા બનવા છતાં નથી બદલી શક્યા, તો આપણે તો પામર છીએ.

લગભગ ૨૮૦૦ કરતાં વધુ શ્લોકમાં ઋગ્વેદના દેવોના રાજા ઇન્દ્રની વાત લખવામાં આવી છે, કોણ ઇન્દ્ર? જેના આગમન એટલે વીજળીના કડાકાભડાકા....જે પ્રચંડ છે તે ઇન્દ્રને વૃદ્ધશ્રવા કહેવામાં આવ્યો છે. જેની કિર્તી ચારે તરફ ફેલાયેલી છે. વેદમાં વૃદ્ધશ્રવાને બૃહત્શ્રવા પણ કહયો છે. બૃહત્શ્રવા એટલે જેણે વૃત્ર નામના રાક્ષસનો સંહાર કર્યો. વૃત્ર એટલે જે ઢાંકી દે છે તે, વૃત્રએ ધરતીને ઢાંકી દીધી અને માનવજાતને પ્રકાશ અને પાણીથી વંચિત કરી દીધી. પાણી અને પ્રકાશ વિના ધરતીનું અસ્તિત્વ શક્ય જ નથી. આ જ વૃત્ર છે જે આપણી વૃત્તિ છે. જિંદગીનો ઘણો સમય આપણે કોઈ ન ગમતી વૃત્તિ ને આપી દેતાં હોઇશું. આપણી અંદર ભયનો, લાલસાનો, જે આપણે છોડવા માગીએ છીએ, એ વૃત્ર વાઇરસની જેમ છૂપાયેલો છે. નવો પ્રોગ્રામ આપણામાં ડાઉનલોડ કરવા કોશિષ કરીએ તો વૃત્ર રોકી દે છે. આપણે આપણા જ વૃત્ર સામે લાચાર બની જઇએ છીએ.

આપણે માનીએ છીએ એટલો વૃત્ર સરળ નથી. વેદ મુજબ વૃત્ર વિદ્વાન પિતાનો પુત્ર હતો. પરેશાન કરતી વૃત્તિ હમેશા વિદ્વાન જ હોય....જો તે વિદ્વાન ન હૈત તો આપણને પરેશાન પણ ન કરી શકે. છોડો, વાત વૃત્રની છે, આપણને પણ જ્ઞાન મેળવતા અસંખ્ય પરિબળો રોકે છે, જીવનના મૂલ્યો મેળવતા રોકવામાં આવે છે. આપણું મનોબળ પણ એટલું મજબૂત નથી કે આપણે મામૂલી વ્યસન રોકી શકીએ. મન, આત્મા, પરિવાર, સમાજ પાસે આવતા કેટલાય શુભ વિચારો કોઈ ને કોઈ વૃત્ર રોકતો હોય છે. જો વૃત્રને રોકવો હોય તો મનને કે સમાજને વજ્ર જેવું હથિયાર જોઈએ. બસ, ઇન્દ્ર આ જ કહે છે કે મન કરી ગયેલી વૃત્ર જેવી વૃત્તિનો નાશ કરવું હોય તો ઇન્દ્ર જેવા યોદ્ધા બનવું પડે, ઇન્દ્રની જેમ વજ્ર લઇને લડવું પડે. વૃત્ર સામે ઇન્દ્રએ ભયાનક લડાઈ લડી હતી. વૃત્રને મારીને ધરતી પર વર્ષા અને પ્રકાશ આપ્યો. માણસજાત માટે એટલું તો સમજવું રહ્યું કે મનની વૃત્તિ સામે લડવું હોય તો વજ્ર તો વસાવવું પડે, માત્ર વસાવવું એટલે જવાબદારીથી મુક્તિ નહીં પણ સમય આવ્યે વજ્ર વાપરતાં શીખવું પડે. જો જીત શકા વો હી તો વીર હૈ......

स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॥

કોઈ પણ ધાર્મિક વિધિનો પ્રારંભ કરવા માટે સ્વસ્તિમંત્ર મહત્વનો છે. ઋગ્વેદમા ગૌતમ રુષિ સાથે જોડાયેલા આ મંત્ર વિશ્વના શુભ સાથે મનના કે આત્માના શુભને જોડવાની વાત છે. વિશ્વમાં નકારાત્મકતા છે, તો પ્રભાવી હકારાત્મકતા પણ છે. આ શુભ હકારાત્મકતાને આત્મા સાથે જોડવાની પ્રાર્થના એટલે જ સ્વસ્તિમંત્ર.

સ્વસ્તિમંત્રથી શરૂ થયેલું ભારતવર્ષનું પવિત્ર પ્રતિક એટલે સ્વસ્તિક. સ્વસ્તિમંત્રનો પ્રથમ ભાગ એટલે ઇન્દ્ર સાથે મંગલ કામના. ચૈત્ર માસથી પ્રારંભ થતો મંગલ સમય એટલે ઇન્દ્ર. ઇન્દ્રનું બીજું નામ જ સૂર્ય છે, જો વરસાદ જોઇતો હોય તો તપવું પડે. સ્વસ્તિમંત્રમાં ઇન્દ્રનો પ્રારંભ એટલે ચૈત્ર માસ....વરસાદ જોઇતો હોય તો તપવું પડે. ધરતીએ ગરમી સહેવી પડે, સૂર્ય એ જ ઇન્દ્ર છે, તો સૂર્યના પ્રચંડ તાપને સહે તો ધરતીનું સ્વર્ગ વરસાદ હાજર છે. મેનેજમેન્ટના ગુરુઓ આ જ તો શીખવે છે. વરસાદ જોઈએ તો તપવું પડે, પરિણામ જોઈએ તો તપ તો કરવું પડે. વિશ્વના પહેલાં જ સાહિત્યમાં સમજાવી દીધું કે તપવું તો પડશે જ....કોઈ વિકલ્પ જ નથી.

આ જ ઇન્દ્ર પાસે ભરદ્વાજ મુનિનો પુત્ર યવક્રિત ગયો અને શોર્ટકટ રીતે વેદનું જ્ઞાન મગજમાં સીધેસીધું ડાઉનલોડ થઈ જાય એવું વરદાન માંગ્યું. એક વરદાન આપો, આ વેદ ગોખવાની ઝંઝટ કોણ કરે?... ઇન્દ્ર એ જ સમજાવ્યું કે જ્ઞાન માટે કોઈ શોર્ટકટ નથી હોતો. યોગ્ય ગુરૂ પાસે જઇને જ જ્ઞાન મેળવી શકાય. માર્કેન્ડેય તપ કરતાં હતાં, ઇન્દ્રને ડર લાગ્યો. ઇન્દ્ર સામેથી ઇન્દ્રાસન આપવા ગયો, તો માર્કેન્ડેય સ્પષ્ટ કહ્યું કે તારા જેવા લાખો ઇન્દ્ર બ્રહ્માંડમાં ફરે છે, મને તારી ગાદીમાં કોઈ રસ નથી. જે ઇન્દ્ર જ્ઞાન માટે શોર્ટકટ નથી એવું કહેતો એ જ ઇન્દ્ર ગાદી બચાવવા પણ ફરતો ફરે. આ જ વાત વેદો અને ઉપનિષદ આપણને સમજાવે છે. તકલીફ પડે ત્યારે માણસ ગમે તેટલો જ્ઞાની હોય, પણ મૂળ સ્વભાવ પર આવી જાય છે. આ જ ઇન્દ્ર કે જે માણસજાતને પ્રકાશ અને પાણી મળે તે માટે વૃત્ર સામે લડે છે, એ જ ઇન્દ્ર અહલ્યા માટે દીવાનો બની જાય છે.

એક મહાન યોદ્ધો પણ ભૌતિક સુખ માટે લાચાર બની જાય છે. પોતાના પુત્ર અર્જુન માટે કર્ણ પાસે કવચ કુંડળ માંગતા પણ ખચકાતો નથી, તો શમ્બર નામના માયાવી રાજા સામે વિરતાપૂર્વક લડાઇ લડ્યો હતો, શમ્બર સામે યુદ્ધ કરતી વેળા રાજા દશરથે પત્ની કૈકયીને સાથે રાખી મદદ કરી હતી. આ જ યુદ્ધ મેદાનમાં કૈકયીને દશરથે વચન આપ્યાં હતા, જેમાંથી આખું રામાયણ સર્જાયું. એની વે, વેદોમાં સૌથી વધુ મહત્વ ધરાવતું પાત્ર ઇન્દ્ર ભારતવર્ષનું સૌથી શક્તિશાળી પાત્ર બની ગયું. તેના નામનો ઇન્દ્ર ઉત્સવ થવા લાગ્યો.

ગોકુળના એક કિશોર કૃષ્ણએ વિરોધ કર્યો, ઇન્દ્ર એ હાહાકાર મચાવવાની કોશિષ કરી, લડાઈ કરી પણ બધે જ હાર મળી. ઇન્દ્ર પૂજા બંધ અને ગોકુળ પૂજા શરુ થઈ. બહુ સાદી વાત છે, સ્વર્ગનો રાજા હોય કે ગમે તેટલો શક્તિશાળી હોય...દરેકનો સમય હોય છે, દરેકની વંદના, મહત્તા હોય કે કાર્યકાળ... એક્સપાયર ડેટ લખેલી જ હોય છે, કશું જ કાયમી નથી. આપણે ભ્રમણામાં જીવીએ છીએ, પણ ઇન્દ્ર પણ કાયમી નથી. ચૌદ ઇન્દ્ર થઈ ચૂક્યા છે. એક પ્રચંડ યોદ્ધો, જેનું આગમન એટલે મેઘ અને ભયાનક કડાકાભડાકા અને વીજળીનો કહેર...જેના ભાઇઓ, મિત્રો અને સાથીદારો સૂર્ય, અગ્નિથી જળ સુધી.... જે સર્વોચ્ચ છે. એક કિશોર ચેલેન્જ આપે છે, થાય તે કરી લો....કૃષ્ણ કનૈયા લાલ કી જે...

Blog by : Deval ShastriDeval Shastri

#લેખ
Here are a few more articles:
Read the Next Article