ભારત નેવી માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ-એમ ફાઈટર જેટ ખરીદવાનો સોદો કરવા જઈ રહ્યું છે. આ અંગે ચર્ચા કરવા ફ્રાન્સ સરકાર અને ડસોલ્ટ કંપનીના અધિકારીઓ આવતીકાલે ભારત આવશે. તેઓ સંરક્ષણ મંત્રાલયની કોન્ટ્રાક્ટ નેગોશિયેશન કમિટી સાથે ડીલ અંગે ચર્ચા કરશે.ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, 50 હજાર કરોડ રૂપિયાના આ ડીલ હેઠળ ફ્રાન્સ રાફેલ-એમ જેટ સાથે હથિયાર, સિમ્યુલેટર, ક્રૂ માટે ટ્રેનિંગ અને લોજિસ્ટિક્સ સપોર્ટ પણ આપશે.સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ બેઠકમાં નૌકાદળના અધિકારીઓ પણ ભાગ લેશે. તેઓ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વાટાઘાટો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે અને ફ્રાન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કરશે.
નૌકાદળ માટે ખરીદવામાં આવી રહેલા 22 સિંગલ સીટ રાફેલ-એમ જેટ અને 4 ડબલ ટ્રેનર સીટ રાફેલ-એમ જેટને હિન્દ મહાસાગરમાં ચીનનો મુકાબલો કરવા માટે INS વિક્રાંત પર તહેનાત કરવામાં આવશે.ગયા વર્ષે પીએમ મોદીની ફ્રાન્સની મુલાકાત દરમિયાન આ ડીલની જાણકારી સૌથી પહેલા સામે આવી હતી. આ પછી, સંરક્ષણ મંત્રાલયે વિનંતીનો પત્ર જાહેર કર્યો, જેને ફ્રાન્સે ડિસેમ્બર 2023માં સ્વીકાર્યો.અગાઉ સપ્ટેમ્બર 2016માં 59 હજાર કરોડ રૂપિયાની ડીલ હેઠળ ભારતે વાયુસેના માટે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ફાઈટર એરક્રાફ્ટ ખરીદ્યા હતા. આ વખતે ભારત રાફેલ-એમ વિમાન ખરીદી રહ્યું છે.