/connect-gujarat/media/media_files/2025/07/31/trf-2025-07-31-09-57-14.jpg)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ ગુરુવારે સ્થાનિક શેરબજાર ખૂલતાની સાથે જ કડાકાભેર તૂટયું હતું. શરૂઆતના કારોબારમાં શેરબજારમાં નકારાત્મક વલણ જોવા મળ્યું. ટેરિફને કારણે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર ખુલ્યા. સેન્સેક્સ ખૂલતાની સાથે જ 700 અંક તૂટયો અને નિફ્ટીમાં પણ મોટો કડાકો દેખાયો.
ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ભારતથી આવતા માલ પર હવે 25 ટકા ટેરિફ લાગૂ કરાશે અને તેના પર વધારાનો દંડ પણ વસૂલવામાં આવશે. તેમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધો અંગે વાતચીત ચાલુ છે. આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે પાકિસ્તાન ને લઇ પણ એક નિવેદન આપ્યું છે.વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાએ પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારને વિકસાવવામાં મદદ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, આ ભાગીદારીને આગળ વધારવા માટે તેલ કંપનીની પસંદગી હજુ બાકી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, એક દિવસ પાકિસ્તાન ભારતને તેલ વેચતું જોવા મળી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ જાહેરાત કરી હતી. આ જાહેરાત ત્યારે થઈ જ્યારે તેમણે બુધવારે ભારત પર 25% ટેરિફ લાદ્યો. આ ઉપરાંત તેમણે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતને સજા આપવાની વાત કરી. આ પછી તરત જ ટ્રમ્પે અમેરિકા-પાકિસ્તાન તેલ કરાર વિશે માહિતી આપી.