ગુજરાત રાજ્યની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ગત મંગળવારે યોજાઈ હતી. જેનું પરિણામ તા. 10 નવેમ્બર મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે, ત્યારે તમામ કેન્દ્ર પર સવારના 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં તમામ બેઠકના લેખા-જોખા બહાર આવશે.
રાજ્યમાં મત ગણતરી કેન્દ્રો પર કોરોનાને લઈને તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. મત ગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ મત ગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મત ગણતરી કેન્દ્ર ખાતે ફરજ ઉપરના કર્મીઓ અને મત ગણતરી એજન્ટોના પ્રવેશ માટે પણ સૂચરું વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં 8 બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 81 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે, ત્યારે હવે મંગળવારના રોજ આ પરિણામ જાહેર થઈ જશે.
રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં 58.14 ટકા મતદાન થયું છે. સૌથી વધારે ડાંગ બેઠક પર મતદાન થયું છે. ડાંગ બેઠક પર 74.71 ટકા મતદાન થયું છે. સૌથી ઓછુ મતદાન ધારી બેઠક પર નોંધાયું હતું. ધારીમાં માત્ર 42.18 ટકા મતદાન થયું છે, ત્યારે આંકડા પ્રમાણે જોઇએ તો, ડાંગમાં સૌથી વધુ 74.71 ટકાથી વધુ મતદાન થયું છે. કપરાડામાં 67.34 ટકા મતદાન, કરજણમાં 65.94 ટકા, અબડાસામાં 61.31 ટકા, લીંબડીમાં 56.04 ટકા, મોરબીમાં 51.88 ટકા, ગઢડામાં 47.86 ટકા અને ધારીમાં સૌથી ઓછુ 42.18 ટકા જેટલું જ મતદાન થયું છે.