છોટાઉદેપુર
જીલ્લામાં કમોસમી
વરસાદ બાદ પાકમાં જીવાતનો ઉપદ્રવ વધી જતાં રવિ પાક પણ નષ્ટ થતાં ખેડૂતો માટે પડ્યા પર પાટુનો ઘાટ ઘડાયો છે.
ગુજરાતીમાં
કહેવત છે કે જે પોષતું તે મારતું .. આ કહેવત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે સાચી
સાબિત થઇ રહી હોય તેમ લાગી રહયું છે. વરસાદના પાણીથી સિંચાઇ કરતા ખેડૂતો માટે
વરસાદના પાણી જ આફત બની ગયાં છે. ચોમાસા પહેલાં વરસાદની વાટ જોઇને બેઠેલા
ધરતીપુત્રો પર વર્ષા રાણી જરૂરત કરતાં વધારે જ મહેરબાન થયા. ચાલુ વર્ષે ચોમાસા
દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જીલ્લામાં થયો હતો. આ મેઘરાજાની મહેર ધરતીપુત્રો માટે કહેર
સાબિત થઇ છે. છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ખેડૂતોએ કરેલા દિવેલા
(એરંડા)નાં પાકમાં કમોસમી વરસાદને લીધે ઇયળો પડી જતા દિવેલાનો પાક સદંતર નિષ્ફળ થઈ
ગયો છે.
દુરથી
હરિયાળા દેખાતા ખેતરોમાં નજીક જઈને જોતા દિવેલાના મોટાભાગના પાનમાં ઈયળોને લઇ સડો
લાગી ગયો છે. પાકને બચાવવા ખેડૂતોએ દેવું કરીને પણ જરૂરી એવી તમામ તકેદારી
રાખી સમય સમયે ખાતર ..બિયારણ અને દવાનો છંટકાવ કર્યો હતો તેમ છતાં તેમની આ મહેનત
અને નાણા બંને એળે ગયા છે. જીવાતનો ઉપદ્રવ
વધી જતાં શિયાળુ પાક પણ નિષ્ફળ જતા ખેડૂતોના માથે જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિનું
નિર્માણ થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં રવિ પાકમાં દિવેલાનું 722 હેકટરમાં વાવેતર કરાયું છે. ત્યારે
ઈયળોના ઉપદ્રવથી દિવેલાની ખેતી કરતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.