/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/16121420/WhatsApp-Image-2020-09-16-at-11.54.47-AM-e1600238672486.jpeg)
જામનગર શહેરમાં ત્રીજૂં સ્મશાન શરૂ કરવાની માંગણી સાથે આજે કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા ત્રણ દિવસ માટેના ધરણાં શરૂ કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી શહેરમાં સ્મશાન શરૂ કરવા માટેની જાહેરાતો કરાયા પછી હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાતા હાલમા કોરોનાની મહામારીને લઈને મૃત્યુદર વધતો જતો હોવાથી ત્રીજા સ્મશાનની તાતી જરૂર હોવાની માંગણીને લઇને વિપક્ષી કોર્પોરેટર દ્વારા ધરણાં શરૂ કરાયા છે.
જામનગર શહેરમાં હાલ બે સ્મશાન છે, અને બંને સ્મશાનોનું ખાનગી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. જામનગર શહેરની વસ્તીમાં વધારો થયો છે, અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં અંતિમ ક્રિયાની વ્યવસ્થા થઈ શકે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષના બજેટમાં જાહેરાત પણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી સ્મશાન ને લગતુ સ્થાન, જગ્યા ફાળવવા સહિતની કાર્યવાહી થઇ નથી.
વિરોધ પક્ષના કોર્પોરેટર દેવશીભાઇ આહિરે આ બાબતે કમિશનરને પત્ર લખીને શહેરમાં તાત્કાલિક અસરથી ત્રીજું સ્મશાન બનાવવા માટેની માંગણી કરી હતી. જો પોતાની માંગણી નહીં સંતોષાય તો ૧૬ તારીખથી ત્રણ દિવસ માટે ધરણા પર બેસવાની ચીમકી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં થતાં આજે કોર્પોરેટર દેવશી ભાઈ આહીર ઉપરાંત યુસુફભાઈ ખફી સહિતના અન્ય કોર્પોરેટરો તથા કાર્યકરો લાલ બંગલામા ઉપવાસી છાવણી નાખીને ધરણા પર બેસી ગયા છે. અને ત્રણ દિવસના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નજીકના ભવિષ્યમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, અથવા તો તે અંગેની કોઇ પ્રક્રિયા શરૂ નહીં કરાય તો વધુ જલદ કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.