ભરૂચ: કનેક્ટ ગુજરાતના સમાચાર ફરી એકવાર સાબિત થયા અસરદાર, અલગ અલગ અંતર દર્શાવતા સાઇન બોર્ડ દૂર કરાયા

New Update
ભરૂચ: કનેક્ટ ગુજરાતના સમાચાર ફરી એકવાર સાબિત થયા અસરદાર, અલગ અલગ અંતર દર્શાવતા સાઇન બોર્ડ દૂર કરાયા

ભરૂચના આંગન એપાર્ટમેન્ટ નજીક તંત્ર દ્વારા લાગવાયેલ સાઇન બોર્ડમાં એક જ સ્થળેથી બે જગ્યાનું અંતર અલગ અલગ દર્શાવવાના મામલામાં કનેક્ટ ગુજરાત દ્વારા અહેવાલ પ્રસારિત કરાતા તંત્ર સફાળુ જાગ્યું હતું અને તાત્કાલિક અસરથી બોર્ડ દૂર કરવામાં આવ્યા હતા.

ડિજિટલ મીડિયામાં અગ્રેસર કનેક્ટ ગુજરાતના સમાચાર ફરી એકવાર અસરદાર સાબિત થયા છે. કનેક્ટ ગુજરાત પર સમાચાર પ્રસારિત થતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચમાં કસક વિસ્તાર નજીક આવેલ આંગન એપાર્ટમેન્ટ પાસે તંત્ર દ્વારા બે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા હતા જેમાં એક જ સ્થળેથી બે જગ્યાનું અંતર અલગ અલગ દર્શાવવામાં આવ્યું હતુ.

એક બોર્ડ પર ઝાડેશ્વરનું અંતર 5 કી.મી. જ્યારે અન્ય બોર્ડમાં ઝાડેશ્વરનું અંતર 4 કી.મી. હતું જ્યારે શુકલતીર્થનું એક બોર્ડ પર અંતર 15 કી.મી.અને બીજા બોર્ડમાં અંતર 14 કી.મી. દર્શાવવામાં આવ્યું હતું. આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ભરૂચ માર્ગ તેમજ મકાન વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું હતું પરંતુ તેઓ દ્વારા આ બેદરકારી સામે હાથ અધ્ધર કરી દેવામાં આવ્યા હતા આ તરફ નગર સેવા સદન દ્વારા પણ આ બોર્ડ ન લગાવાયુ હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ કનેક્ટ ગુજરાત પર અહેવાલ પ્રસારિત થતાની સાથે જ તંત્ર દ્વારા આ બોર્ડ હટાવી લેવામાં આવ્યું હતું પરંતુ અહી સવાલ એ થાય છે કે જો માર્ગ અને મકાન વિભાગ તેમજ નગર સેવા સદન દ્વારા આ બોર્ડ લગાવવામાં જ ન આવ્યું હતું તો બોર્ડ હટાવાયુ શું કામ? એ પ્રશ્ન ચર્ચાય રહ્યો છે આ બાબતની તપાસ કરવા સતત બીજા દિવસે પણ અમારી ટિમ ભરૂચ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે પહોંચી હતી પરંતુ અહી કોઈ જવાબદાર અધિકારી જ હાજર ન હોવાનું બહાર આવ્યું હતું.

આ બાદ કનેકટ ગુજરાતના અન્ય એક પ્રતિનિધિ અમદાવાદ ખાતે આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે પહોંચ્યા હતા પરંતુ અહી પણ કોઈ અધિકારી હાજર ન હોવાના કારણે બોર્ડની બેદરકારી બાબતે જવાબ મળી શક્યો ન હતો.

ભરૂચના આંગન એપાર્ટમેન્ટ નજીક જે રીતે બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને રાતોરાત ઉતારી લેવામાં આવ્યું છે. દરેક વિભાગ આ બોર્ડ તેઓએ લગાવ્યું નથી એવો દાવો કરી રહ્યા છે ત્યારે બોર્ડ ઉતાર્યું પણ કોણે એ મોટો પ્રશ્નાર્થ છે. બોર્ડ લગાવવા માટે ગ્રાન્ટ કોણે ફાળવી, આદેશ કોણે આપ્યા એ પ્રશ્ન હજુ પણ વણઉકેલ્યા છે આ જવાબ બહાર લાવવા કનેકટ ગુજરાત સતત પ્રયત્નશીલ રહેશે.

Latest Stories