ભારત દેશમાં કોરોનાના કેસ સુપરસોનિક ગતિથી આગળ વધી રહયાં છે. કોરોનાના કેસની સંખ્યામાં ભારત અમેરિકા બાદ બીજા નંબર પર આવી ગયું છે. ભારતમાં રોજના સરેરાશ 1.75 લાખ કરતાં વધારે કેસ સામે આવી રહયાં છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને દીલ્હીમાં હાલત બદતર બની ચુકી છે.
કોરોનાએ એકદમ માથુ ઉંચકતાં લોકોમાં હાહાકાર મચી ગયો છે. ઓકિસજન, વેન્ટીલેટર અને ઇન્જેકશનની અછત સહિતની ઘણી હાડમારીઓનો લોકો સામનો કરી રહયાં છે. ગઇકાલે કોરોનાના 79.25% કેસ દેશનાં 10 રાજ્યમાં નોંધાયા છે. તેમાંના સૌથી વધુ મહારાષ્ટ્રમાં 68,631, ઉત્તરપ્રદેશમાં 30,566, દિલ્હીમાં 25,462, કર્ણાટકમાં 19,067, કેરળમાં 18,257, છત્તીસગઢમાં 12,345, મધ્યપ્રદેશમાં 12,248, તામિલનાડુમાં 10,723, રાજસ્થાનમાં 10,514 અને ગુજરાતમાં 10,340 કેસ નોંધાયા છે. આ રાજ્યોમાં પણ સૌથી વધુ સંખ્યામાં મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં 503 લોકોનાં મોત થયાં. દિલ્હીમાં 161 અને ઉત્તરપ્રદેશમાં 127 લોકોનાં મોત નોંધાયાં છે. અમેરિકા બાદ ભારતમાં હવે સૌથી વધારે કોરોનાના કેસ જોવા મળી રહયાં છે.
મહારાષ્ટ્ર અને દિલ્હીની સાથે ગુજરાતની હાલત પણ બદ કરતાં બદતર બની છે. રાજયમાં રોજના 10 હજાર કરતાં વધારે કેસ સામે આવી રહયાં છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે લાવતી એમ્બયુલન્સ અને હોસ્પિટલોમાંથી મૃતદેહોને લઇ જતી શબવાહિનીઓની કતાર લાગી રહી છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોનાની નવી લહેરમાં શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારો પણ સકંજામાં આવી ગયાં છે. સરકાર પાસે હવે આરોગ્યલક્ષી સુવિધાઓ ખુટી પડી છે. દવાખાનાઓની બહાર દર્દીઓના સ્વજનોની દયનીય હાલત, સ્મશાનમાં સળગતી ચિતાઓથી પીગળી રહેલી ચીમનીઓ, રોજના સેંકડો મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ઉપયોગમાં લેવાતાં હજારો ટન લાકડાઓ, પીપીઇ પહેરી દોડધામ કરતાં આરોગ્યકર્મીઓ, કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓનો વિશ્વાસ ટકાવી રાખવા કરવામાં આવતાં વિવિધ કાર્યક્રમો હવે રાજયમાં સામાન્ય થઇ ગયું છે. ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકારે 20 શહેરોમાં નાઇટ કરફયુ અમલમાં મુકયો છે જયારે અનેક ગામડાઓ સ્વયંભુ લોકડાઉન પાળી રહયાં છે. આટ આટલા પ્રયાસો છતાં કોરોના મોતનું અટ્ટહાસ્ય કરી રહયો છે. કોરોના વાયરસે માનવીને સાચા અર્થમાં પામર બનાવી દીધો છે. ગુજરાતની હાલત ખરેખર બદતર બની ચુકી છે.
ભરૂચમાં એક મહિનાથી સ્મશાનમાં ચિતાઓ શાંત નથી પડી અને રોજબરોજ હદયને પીગળાવી દે તેવા કિસ્સાઓ સામે આવી રહયાં છે. ભરૂચમાં પણ રોજના સરેરાશ 20 લોકો કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી રહયાં છે...
ગુજરાતમાં પણ ભરૂચવાસીઓ અત્યાર સુધીની ભયાવહ સ્થિતિમાંથી પસાર થઇ રહયાં છે. ભરૂચ જિલ્લો કોરોનાના કેસની દ્રષ્ટિએ રાજયમાં ત્રીજા નંબરે આવી ગયો છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક બનાવવામાં આવેલાં સ્પેશિયલ કોવીડ સ્મશાન ખાતે રોજના સરેરાશ 20 કરતાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયાં છે. સ્મશાનના સ્વયંસેવકોની આંખો પણ હવે ભીંજાય રહી છે તેમણે પણ મોતનો આવો મંજર અત્યાર સુધી નથી જોયો. સ્મશાન ખાતે સતત અવાગમન કરતી શબવાહિનીઓ અને તેમાંથી પ્લાસ્ટિકની બેગમાં પેક થયેલાં મૃતદેહો ઉતારવામાં આવી રહયાં છે. સદનસીબે ભરૂચમાં સ્વજનો તેમના મૃત્યુ પામેલાં સગા- સ્નેહીઓને મુખાગ્નિ આપી શકે છે. રાજયના અન્ય શહેરોમાં તો આ પણ નસીબ થતું નથી. ભરૂચમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે નાઇટ કરફયુ લગાડવામાં આવ્યો છે પણ કોરોના મોતનું તાંડવ કરી રહયો છે.
ગુજરાતના પાડાશી રાજયો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ કોરોના કેસ રેકોર્ડ વટાવી રહયાં છે. દેશની રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 6 દિવસના સંપુર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. દેશના જે રાજયોમાં કોરોનાના કેસ વધારે છે તેવા રાજયોમાં પણ લોકડાઉનની શકયતાઓ વધી છે..
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ વધી જતાં ઓકિસજનનો જથ્થો ખુટવા લાગ્યો છે આવા સંજોગોમાં વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છ દિવસના સંપુર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાનમાં કોરોનાના કેસ વધારે હોવાથી લોકડાઉન જેવા કડક નિયમો અમલમાં મુકી દેવામાં આવ્યાં છે. હવે ગુજરાતમાંથી પણ રોજના સરેરાશ 10 હજાર કેસ સામે આવી રહયાં છે. અમદાવાદમાં તો નવી હોસ્પિટલો બનાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજા સંજોગોમાં ગુજરાતમાં પણ સંપુર્ણ લોકડાઉનના ભણકારા વાગી રહયાં છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ જોઇ હાઇકોર્ટે રાજય સરકારને ચાર દિવસ સુધી સંપુર્ણ લોકડાઉન કરવાની ભલામણ કરી હતી પણ રાજય સરકાર લોકડાઉન કરવાના મિજાજમાં નથી. સરકાર કોર્ટમાં કોરોનાને રોકવા શું પગલાં ભરવામાં આવી રહયાં છે તેના સોગંદનામા રજુ કરી રહી છે. પણ આપણે સૌએ એક વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડશે. ગુજરાતમાં કોરોનાના કારણે હાલત અતિ ગંભીર બની ચુકી છે. વહેલા મોડા પણ સરકારે સંપુર્ણ લોકડાઉનનો નિર્ણય લેવો પડશે નહિતર રાજયભરમાં કોરોનાના કારણે મૃતદેહોના ખડકલા થશે તે વાત નકકી છે. કુદરત સામે આપણે સૌ લાચાર છીએ ત્યારે આપણે સૌ પણ ઘરોમાં રહીએ અને બહાર નીકળીએ તો માસ્ક અવશ્ય પહેરી એ બાબતને રોજીંદો નિયમ બનાવી દઇએ તો કદાચ મહામારીમાં હેમખેમ રહી શકીશું..
કોરોનાનો કહેર, લોકડાઉનનું કાઉન્ટ ડાઉન, જુઓ અમારું SPECIAL BULLETIN
New Update
Latest Stories