/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/20173322/maxresdefault-146.jpg)
રાજયમાં વકરી રહેલાં કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે મંગળવારના રોજ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. કોરોનાની મહામારીને રોકવા તેમણે પોલીસ અને વહીવટીતંત્રને જરૂરી સુચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ વિવિધ જિલ્લાઓની મુલાકાત લઇ કોરોનાની સ્થિતિનો તાગ મેળવી રહયાં છે. મંગળવારના રોજ બંને દાહોદ ખાતે પહોંચ્યાં હતાં. આગામી લગ્નસરામાં લગ્ન પ્રસંગોમાં નિયત કરતા વધુ લોકો ભેગા ન થાય તે તકેદારી રાખવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઉપરાંત ગ્રામ્યકક્ષાએ સેવા આપતા તબીબો પણ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરે તેવી કાર્યવાહી કરવા માટે તંત્રને સુચના અપાય છે. મહત્વની વાત કરવામાં આવે તો ઝાયડ્સ હોસ્પિટલમાં કાલથી લોકોની સેવામાં સિટી સ્કેનની સુવિધા શરૂ કરવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. વધુ દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે.
એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધારી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૫, ૨૬ અને ૨૭ના રોજ મોટા પ્રમાણમાં લગ્નગાળો છે. તેમાં કોવિડની એસઓપીનું પાલન થાય તે જોવાની જેતે વિસ્તારના પોલીસ સ્ટેશનને જવાબદારી સોંપવામાં આવી છે. જો લગ્નમાં નિયત કરતા વધુ ભીડ જોવા મળશે, તો જવાબદાર પોલીસ અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે. દાહોદ જિલ્લામાં જે વિસ્તારોમાંથી વધુ કોરોનાના કેસો મળી આવે છે, ત્યાં ટેસ્ટ, ટ્રેસિંગ અને આઇસોલેટ સહિતના પગલાં ત્વરિત અસરથી ભરવામાં આવશે.