કૃષિ કાયદાના વિરોધમાં આપવામાં આવેલ ભારત બંધનો દાહોદમાં ફિયાસ્કો થયો હતો. દાહોદ શહેર રાબેતા મુજબનું રહ્યું હતું. દુકાનો અને માર્કેટ બંધ કરાવવા નીકળેલા આપ અને બીટીપીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ કૃષિ વિષયક કાયદાઓનો ખેડૂતો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂત આંદોલન વચ્ચે આજે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેનો ગુજરાત રાજ્યમાં મિશ્ર પ્રતિસાદ રહ્યો હતો. દાહોદ શહેર તેમજ જીલ્લામાં પણ બંધની નહિવત અસર જોવા મળી હતી. લોકોએ રાબેતા મુજબ પોતાની દુકાનો તેમજ વ્યવસાય ચાલુ રાખ્યા હતા. જો કે દાહોદ જિલ્લામાં આંતરરાજય સીમા આવેલી હોવાની કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ચેકિંગ જોવા મળ્યું હતું. રાજકીય વિરોધ પક્ષો દ્વારા દુકાનો બંધ કરાવવાના પ્રયત્નો કરાયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુલાબના ફૂલો આપી બંધને સમર્થન કરવા અપીલ કરવા નીકળ્યા હતા. જો કે પોલીસે તમામની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા.
બીજી તરફ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકર્તાઓએ દાહોદના અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર ટાયરો સળગાવી ખેડૂત સમર્થનમાં નારા મારી ભારે વિરોધ કરાયો હતો તેમજ હાઈવેને બંધ કરવાનો પ્રયાસ કરાયો હતો તે સમયે પણ દાહોદ તાલુકા પોલીસ આવી પહોંચતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસે રોડ ઉપરથી સળગતા ટાયરો ખસેડી રોડને ફરીથી ચાલુ કર્યો હતો તેમજ રોડ ઉપર ઉભેલા લોકોને ત્યાંથી ભગાડવામાં આવ્યા હતા અને વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.