રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં નોકરી અપાવવાની લાલચમાં દાહોદ જિલ્લાના ગરબાડાના 5 લોકો સાથે છેતરપિંડી આચરનારે 12.50 રૂપિયા પડાવી લેતા નકલી આરપીએફ એએસઆઈને એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
દાહોદ જિલ્લામાં નોકરી અપાવવાના બહાને પૈસા પડાવી વિશ્વાસઘાત અને ઠગાઇ કર્યા હોવાના ઘણા કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવ્યા છે, ત્યારે તાજેતરમાં દાહોદ જિલ્લાના ગરબાડા ગામના એક ઠગે પોતે રેલ્વે પોલીસમાં એએસઆઈ તરીકે નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી નોકરી વાંચ્છુઓ સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, અરવિંદ સંગાડા નામનો ઠગ ગરબાડા તળાવ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા 24 વર્ષીય દેવેન્દ્ર પંચાલ તથા અન્ય 4 યુવકો કે, જે નોકરી વાંચ્છુક હતા તેમને આ ઠગે જણાવ્યું હતું કે, હું પોતે રેલ્વે પોલીસમાં એએસઆઈ તરીકે નોકરી કરૂ છું અને મારી પહોંચ છેક ઉપર સુધી છે. તમને રેલ્વે પોલીસમાં નોકરી જોઈતી હોય તો, હું તમને અપાવી શકું છું. તેવું કહી નોકરીની લાલચ આપી દેવેન્દ્ર પંચાલ અને અન્ય 4 નોકરી વાંચ્છુંઓ મહા ઠગની માયાજાળમાં ફસાઈ ગયા હતા, ત્યારે અરવિંદ સંગાડા નામના ઠગે આરપીએફમાં નોકરી અપાવવા માટે 5 યુવકો પાસેથી રૂપિયા 12.50 લાખ જેવી માતબર રકમ ઉઘરાવી લીધી હતી. ત્યારબાદ તે તમામને 14/01/2020થી 02/05/2021 દરમિયાન રેલ્વે રેલ્વે આરપીએફના ખોટા આઈ કાર્ડ તેમજ ખોટા નોકરીના ઓર્ડર આપતાની સાથે જ મહાઠગ અરવિંદ સંગાડા ઉપર ભરોષો કરી બેઠા હતા, જયારે તે નોકરી વાંચ્છુઓ નોકરીના ઓર્ડર લઈને રેલ્વેમાં હાજર થયા હતા, ત્યારે તે નોકરીના ઓર્ડર તેમજ આઈકાર્ડ બધુ ખોટું હોવાનું સાબીત થયું હતું, ત્યારે નોકરી વાંચ્છુંકોને મહાઠગ ચૂનો લગાવી ગયો હોઈ તેવો અહેસાસ થતા પાંચેય લોકોએ ઠગ અરવિંદ સંગાડાનો મોબાઈલ ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી ભોગ બનનાર દેવેન્દ્ર પંચાલે આ સંબંધે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. જેમાં દાહોદ એલસીબી પોલીસે ગરબાડાના મહાઠગને હ્યુમન ઇમ્ટેલીજન્સ અને ટેક્નિકલ સોર્સના માધ્યમથી ગરબાડાના આરોપીને રેલ્વે પોલીસની વર્દી, પોલીસની કેપ, નકલી આઈકાર્ડ અને નકલી પિસ્ટલ સાથે ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી.