દાહોદ જિલ્લાના છાપરી ગામે ઢાબાની બાજુમાંથી પસાર થતી ડીઝલની પાઈપલાઈનમાંથી કરવામાં આવતી ડીઝલની ચોરીનું મસમોટુ કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. જેમાં 3 ભેજાબાજોએ અંદાજે રૂપિયા 7.50 લાખની કિંમતનું 12 હજાર લીટર જેટલું ડીઝલ ચોરી કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
દાહોદના છાપરી ગામે બાયપાસ રોડની બાજુમાંથી પસાર થતી ડીઝલની પાઈપલાઈનમાંથી ડીઝલની કરાતી મસમોટી ચોરી પકડાઈ છે. જોકે આ સમગ્ર ડીઝલ ચોરી માટે બાજુમાં આવેલા ઢાબાના માલિક સામે ફરિયાદ નોંધાવા પામી છે. ઢાબાનો માલિક હાલમાં પોલીસની પકડથી બહાર છે. ઢાબાના માલિક સહીત અન્ય 2 લોકો ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઈપલાઈનમાં વાલ્વ ફિટ કરી ડીઝલની ચોરી કરતા હતા, ત્યારે દાહોદ તાલુકા પોલીસ દ્વારા અનુમાન લગાવાઇ રહ્યું હતું કે, કોઈક ભેજાબાજો જ આ સમગ્ર ડીઝલ ચોરી મામલે જોડાયેલો હોવા જોઈએ, ત્યારે પોલીસે તે દિશામાં તપાસ કરતાં પાઇપલાઈનની નજીકમાં આવેલા ચામુંડા ઢાબા હોટલનો માલીક અને તેના અન્ય 2 સાગરીતો મળીને લોખંડની પાઇપલાઈનમાં વાલ્વ લગાવી ડીઝલની ચોરી કરતા હતા. જેમાં ભેજાબાજોએ અત્યાર સુધીમાં 12 હજાર લીટર ડીઝલની ચોરી કરી હતી. અંદાજે તેની કિંમત કુલ 7.50 લાખ જેટલી થવા જઈ રહી છે, ત્યારે ડીઝલ ચોરી મામલે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં દાહોદ તાલુકા પોલીસ મથકે ઢાબાના માલિક સહીત અન્ય 2 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે દાહોદ તાલુકા પોલીસે ફરિયાદના આધારે ઢાબાના માલિક સહીત અન્ય 2 લોકો વિરુદ્ધ ડીઝલ ચોરીનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.