• અભલોડ ગામમાં ફૂડ પોઇઝનિંગથી ફફડાટ

  • લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ બની ઘટના

  • 400થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર

  • આરોગ્ય અને ફૂડ એન્ડ સેફટી વિભાગ આવ્યું એક્શનમાં

  • ભોજનના નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ એકસાથે 400થી વધુ મહેમાનોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે સોમવારે તારીખ 20મી એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે યોજાયેલા લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભોજન માટે એકત્ર થયા હતા. જોકેજમ્યાના થોડા જ સમયમાં કેટલાક લોકોની તબિયત લથડી હતી,અને ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. સ્થિતિ એટલી હદે વણસી હતી કે ગામમાં જ યુદ્ધના ધોરણે મેડિકલ કેમ્પ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં અસરગ્રસ્ત અંદાજે 200 દર્દીઓને વિવિધ ખાનગી દવાખાનાઓમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 200 જેટલા લોકોને ગામમાં જ તબીબોની વિશેષ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાનિ થઈ નથીજોકે કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તબીબો સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

ઘટનાની જાણ થતા જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ અભલોડ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે લગ્નમાં પીરસવામાં આવેલ કેરીનો રસ‘ અને પનીરનું શાક‘ ખાવાથી લોકોને ઇન્ફેક્શન થયું હોઈ શકે છે. આરોગ્ય વિભાગની ટીમે લગ્ન સ્થળેથી ભોજનના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. તંત્રએ ખાતરી આપી છે કે જો કેટરર્સ કે અન્ય કોઈની બેદરકારી સામે આવશેતો ફૂડ એન્ડ ડ્રગ્સ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.