રાજ્યના પ્રજાજનોના માર્ગ સુધારણાના નાનામાં નાના પ્રશ્નો, રજુઆતોનું વોટ્સએપ/સોશિયલ મીડિયાના માધ્યમથી ત્વરીત નિવારણ કરીને સુશાસનનો પરિચય આપ્યા બાદ ચોમાસામાં વરસાદી પાણીને કારણે વિખુટા પડી જતા ગામો બાબતે વિશેષ લક્ષ કેન્દ્રિત કરીને રૂ. ૪૬૧ કરોડના ખર્ચે ૨૯૫ જેટલા કોઝવે-કમ-વિયરનો પ્રોજેકટ હાથ ધર્યો છે, તેમ માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યુ હતું.
આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન વિકાસના નવા આયામો સર કરવાની નેમ સાથે પ્રાથમિક સુવિધાઓ ક્ષેત્રે રાજ્ય અને કેન્દ્ર સરકાર હરણફાળ ભરી રહી છે, તેમ જણાવતા મંત્રી મોદીએ, દેશના ગામેગામ વીજળી, પાણી, માર્ગો, આવાસ, ગેસ જેવી પાયાકિય જરૂરિયાતોની પૂર્તિ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે તેમ જણાવ્યુ હતું. આઝાદીના લડવૈયાઓને યાદ કરીને મંત્રી પુર્ણેશ મોદીએ, ભારતના ગૌરવવંતા ઇતિહાસને ઉજાગર કરવાના ભાગરૂપે હાથ ધરાયેલા શ્રેણીબદ્ધ પ્રોજેકટનો ખ્યાલ આપતા, પ્રજાજનોની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યોની આપૂર્તિ માટે આ ઉજવણી સિમાચિન્હો રૂપી સાબિત થશે તેમ જણાવ્યુ હતું.
ભારતને વિશ્વગુરુ બનાવવાના રોડમેપ ઉપર કાર્યરત રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપતા મંત્રી પુર્ણેશ મોદીએ, સરકાર સામે ચાલીને વિકાસ કાર્યો હાથ ધરી રહી છે તેમ જણાવ્યુ હતું. ગ્રામોત્થાનના ઉદ્દેશ સાથે કાર્ય કરતી સરકારે રાજ્યના સર્વાગિણ વિકાસની સાથોસાથ અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમા અનેકવિધ કાર્યો હાથ ધરીને રાજ્ય સરકારે માનવતા અને સંવેદના સાથે કાર્યો હાથ ધર્યા છે તેમ ઉમેર્યું હતું.
