ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંત્રી ગણપત વસાવાએ સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી. 100 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રીએ આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે સતત ચિંતિત રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમનો ખ્યાલ આપ્યો હતો.
ગુજરાત રાજ્ય તથા દેશને ગૌરવ અપાવનારા ડાંગ જિલ્લાના આંતરરાષ્ટ્રીય દોડવીર કુ.સરિતા ગાયકવાડને રાજ્ય સરકાર આગામી દિવસોમાં ક્લાસ-1ની નોકરી આપીને સન્માનિત કરશે તેમ જણાવી, રાજ્ય સરકાર લોંગ ડીસ્ટન્સ રનર મુરલી ગાવિતની પડખે રહી, તેનું પણ યથોચિત સન્માન કરશે તેમ ઉમેર્યું હતું. તાજેતરમાં જ રાજ્ય સરકારે રૂ. 34 કરોડના નવા રસ્તાઓ મંજુર કરવા સાથે, ડાંગના જાગૃત જનપ્રતિનિધિઓની અપીલને માન્ય રાખી, બીજા રૂ. 30 કરોડ જંગલ વિસ્તારના માર્ગો માટે ફાળવ્યા છે. ડાંગ જિલ્લામાં 8 જેટલી એક્લવ્ય મોડેલ સ્કુલ સાથે પી.ટી.સી. કોલેજ, પોલીટેકનીક કોલેજ, કૃષિ કોલેજ અને વિજ્ઞાન કોલેજ કાર્યાન્વિત કરીને રાજ્ય સરકાર આદિજાતિ સમાજના ઉત્કર્ષ માટે રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટી શરુ કરી રહી છે તેમ જણાવ્યું હતું. આદિજાતિ સમાજના વીર સપુતોને ઇતિહાસમાં અમરત્વ પ્રદાન કરવાના હેતુસર રાજ્ય સરકારે રાજપીપળા ખાતે ફ્રીડમ ફાયટર ટ્રાયબલ મ્યુઝીયમનું નિર્માણ કાર્ય શરુ કર્યું છે. ઉપરાંત અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના 14 જીલ્લાઓ, 53 તાલુકાઓ, 4500 ગામડાઓમાં વસતા 90 લાખથી વધુ આદિવાસી સમાજ માટે સરકાર સતત ચિંતા કરી રહી છે. દેશના 11 કરોડથી વધુ આદિવાસી સમાજને ગૌરવ અપાવનારા બિરસા મુંડા, ગુરુ ગોવિંદ, વેગળા ભીલ સહિતના સપુતોને યાદ કરીને તેમની ગૌરવ ગાથા વર્ણવી હતી.
આ પ્રસંગે સરકારની વિવિધ યોજના હેઠળ કુલ 123 જેટલા લાભાર્થીઓને કુલ રૂપિયા 355.57 લાખના વિવિધ લાભો પણ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત આરોગ્ય વિભાગના કોરોના વોરીયર્સ સહિત જુદા જુદા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વ્યક્તિ વિશેષ અને જુદી જુદી સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું પણ અહી જાહેર અભિવાદન કરાયું હતું. ડાંગ જીલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમમાં માજી સંસદીય સચીવ અને સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદી સહિત આદિજાતિ વિકાસ નિગમના ડીરેક્ટર બાબુરાવ ચૌર્યા, માજી ધારાસભ્ય મંગળ ગાવિત, સામાજિક અગ્રણીઓ સર્વશ્રી રાજેશ ગામીત, કિશોર પટેલ, સંકેત બંગાળ, રમેશ ચૌધરી, રમેશ ગાંગુર્ડે, ધનરાજ સિંહ અને ત્રીકમ રાવ ઉપરાંત આંતરરાષ્ટ્રીય દોડવીર અને ડાંગના 2 અનમોલ રતન એવા સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિત સહિતના આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.