ડાંગનો પ્રખ્યાત ગીરા ધોધ બન્યો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર
રવિવારની રજામાં ગીરા ધોધ પર પ્રવાસીઓની ભારે ભીડ જામી
ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચ્યા
પ્રકૃતિની મનમોહક સુંદરતા વચ્ચે લોકોએ સેલ્ફી અને વીડિયો કેપ્ચર કર્યા
કુદરતનો સુંદર નજારો માણવા પ્રવાસીઓનો અવિરત પ્રવાહ
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ડાંગ જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ડાંગનો પ્રખ્યાત ગીરા ધોધ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ચોમાસાના આગમન સાથે જ ડાંગના ગીરા ધોધે રૌદ્ર અને મનમોહક સ્વરૂપ ધારણ કર્યું છે. ઊંચાઈ પરથી ધસમસતો વહેતો પાણીનો પ્રવાહ, આસપાસ છવાયેલી ગાઢ હરિયાળી અને વાદળો સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. ખાસ કરીને રવિવારની રજા હોવાથી ગીરા ધોધ પર સવારથી જ પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.
માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ આ અદભૂત નજારો માણવા પહોંચી રહ્યા છે. મનમોહક છટાને પોતાના કેમેરા અને મોબાઇલમાં કેદ કરવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચોમાસામાં કુદરતી શાંતિ અને સૌંદર્યનો અહેસાસ કરાવતું ડાંગ ફરી એકવાર સૌનું મનપસંદ પ્રવાસન ધામ બની ગયું છે.
