મહારાષ્ટ્રના પુણેના રિયલ એસ્ટેટ બિઝનેસમેન કેતન અગ્રવાલની માતા રાખી અગ્રવાલએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમના પુત્રની હત્યા બાદ ન્યાય માટે વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સહાનુભૂતિ કે, ખાસ છૂટછાટ માંગતા નથી, પરંતુ ગુનેગારો માટે શક્ય તેટલી કડક સજાની માંગ કરી રહી છે.

પ્રધાનમંત્રીને મોકલવામાં આવેલા ભાવનાત્મક ઇમેઇલમાં રાખી અગ્રવાલે લખ્યું છે કે, તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે, તેમને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે, જ્યાં તેમને પોતાના પુત્ર માટે ન્યાય મેળવવો પડશે. તેમણે લખ્યું, “દરેક માતાની જેમ, મેં પણ સપનું જોયું હતું કે, કેતન સુખી જીવન જીવશે, લગ્ન કરશે અને અમારી સાથે રહેશે. તેમણે કહ્યું, “મારા પુત્રની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી, અને તેની સાથે, મારી આખી દુનિયા અદૃશ્ય થઈ ગઈ હતી.
ઘરનો દરેક ખૂણો મને તેની યાદ અપાવે છે. તેના હાસ્યનું સ્થાન લેનારી મૌન મને દરરોજ યાદ અપાવે છે કે, તે ક્યારેય પાછો નહીં આવે.” પત્રમાં બીજી એક કૌટુંબિક દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા રાખી અગ્રવાલે નોંધ્યું કે, કેતનના મૃત્યુના 20 દિવસ પછી જ તેના સસરાનું અવસાન થયું. જે તેના પૌત્રને ગુમાવવાનું દુઃખ સહન કરી શક્યા નહીં. તેણીએ લખ્યું, “મોદીજી, હું ફક્ત એક માતા છું. હું સહાનુભૂતિ માંગી રહી નથી કે, કોઈ ખાસ છૂટ માંગી રહી નથી. હું ફક્ત ન્યાય માંગી રહી છું.”
