જાંબુઘોડા અભયારણ્ય પ્રકૃતિ પ્રેમીઓની પહેલી પસંદ

ધનપુરી ઇકો ટુરિઝમ પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

એસી કોટેજ,જંગલ સફારી,ટ્રેકિંગ,સ્થાનિક ગાઈડની સુવિધા ઉપલબ્ધ

કુદરતના ખોળે આરામદાયક સમય વિતાવવા લોકપ્રિય સ્થળ

વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે શ્રેષ્ઠ આયોજન 

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભયારણ્યની મધ્યમાં આવેલું ધનપુરી ઇકો ટુરિઝમ સેન્ટર પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડોદરા, અમદાવાદ અને સુરત જેવા શહેરોની નજીક હોવાથી, આ કેન્દ્ર ખૂબ જ વાજબી દરે એસી કોટેજ, જંગલ સફારી, ટ્રેકિંગ અને સ્થાનિક ગાઈડ જેવી ઉત્તમ સુવિધાઓ પૂરી પાડે છે.

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભયારણ્યમાં સ્થિત ધનપુરી ઇકો ટુરિઝમ સેન્ટર કુદરતના ખોળે આરામદાયક સમય વિતાવવા માટેનું એક લોકપ્રિય સ્થળ છે. અહીંની ગાઢ હરિયાળી અને શાંત વાતાવરણ વચ્ચે વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે.

અહીં પ્રવાસીઓ માટે 8 એસી અને 8 નોન-એસી રૂમ, કેન્ટીન, ડાઇનિંગ શેડ, સોવેનિયર શોપ અને ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા છે. અત્યંત વાજબી દરે મળતી આ સગવડોની સાથે સ્થાનિક વનવાસી ગાઈડ પ્રવાસીઓને સમગ્ર વિસ્તારનું રસપ્રદ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.

રાજ્ય સરકાર જાંબુઘોડા ઉપરાંત રતનમહાલ અને કચ્છ જેવા વિસ્તારોમાં પણ ઇકો ટુરિઝમનો  વ્યાપ વધારી રહી છે. નજીકમાં જ આવેલા કડા ડેમ અને પૌરાણિક ઝંડ હનુમાન મંદિર જેવા આકર્ષણોને કારણે ધનપુરી હવે ગુજરાતનું એક અગ્રણી વીકએન્ડ ડેસ્ટિનેશન બની ગયું છે.