-
પવિત્ર યાત્રાધામ દ્વારકાના જગત મંદિર ખાતે આયોજન
-
જ્યેષ્ઠ સુદ પૂર્ણિમા નિમિત્તે જેષ્ઠાભિષેક ઉત્સવનું આયોજન
-
ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યું
-
પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિને સંપન્ન કરવામાં આવી
-
ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી
યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં જ્યેષ્ઠ સુદ પૂર્ણિમા નિમિત્તે જેષ્ઠાભિષેક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકાના પૂજનીય જગત મંદિરમાં જેષ્ઠ સુદ પૂર્ણિમાના શુભ અવસરે ભવ્ય જેષ્ઠાભિષેક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે. જે વર્ષમાં માત્ર 2 જ વાર જન્માષ્ટમી અને જેષ્ઠ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. જેષ્ઠ પૂર્ણિમાના દિવસની શરૂઆત શ્રીજીની પરંપરાગત મંગળા આરતી સાથે થઈ હતી. ત્યારબાદ જેષ્ઠ નક્ષત્રમાં ભવ્ય જેષ્ઠાભિષેક કરવામાં આવ્યો હતો. ગુગળી જ્ઞાતિના પૂજારીઓ, વારાદાર પૂજારી અને તેમના પરિવારના સભ્યોએ પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર સાથે આ વિધિને સંપન્ન કરી હતી.
આ દિવસે ભગવાનને ખાસ કરીને પવિત્ર અઘોર કુંડમાંથી એક દિવસ પહેલા ચાંદીના બેડામાં લાવવામાં આવેલા પવિત્ર જળથી અને ઋતુ અનુસાર 'અમૃત' (કેરી)થી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સંધ્યા સમયે ઉત્સાહ સાથે નૌકાવિહાર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના નિજસભામાં જલયાત્રા માટે નાવમાં વિરાજમાન કરવામાં આવ્યા હતા. આ અલૌકિક વિધિના સાહભાગી થઈ અનેક ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.