ઉત્તરાખંડના પિથોરાગઢમાં 4 મેથી આદિ કૈલાશ અને ઓમ પર્વતની યાત્રાની શરૂઆત થશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુઝી ભક્તો તવાઘાટ પોઇન્ટથી ચાલતા જતા હતા, પરંતુ ભક્તો પ્રથમ વાર વાહનો મારફતે તવાઘાટથી આદિ કૈલાશ અને ઓમ પર્વત સુધી જઈ શકશે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ 20 હજાર ફૂટની ઊંચાઇ પર 130 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ કર્યું છે, જેના કારણે ભક્તોએ હવેથી ચાલતા નહીં જવું પડે. કુમાઉ મંડળ વિકાસ નિગમે (KMVN)એ શ્રદ્ધાળુઓને એક સ્પેશિયલ પેકેજ ઓફર કર્યું છે. શ્રદ્ધાળુઓ પેકેજ વગર પણ જવા માંગે તો તેઓ જઈ શકે છે, પરંતુ તે માટે ધારચૂલામાં SDM ઓફિસમાંથી ઈનરલાઈન પરમિશન લેવાની રહેશે.
આદિ કૈલાશને ભારતનું કૈલાશ માનસરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચીને કબ્જો કરેલ તિબેટમાં આવેલ કૈલાશ પર્વતનો પડછાયો મનસરોવરમાં અને આદિ કૈલાશ પર્વતનો પડછાયો પાર્વતી કુંડમાં પડે છે. તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડ સીમા પર લિપુલેખ ખીણના રસ્તા પર હાલ પૂરતી કૈલાશ માનસરોવરની યાત્રા બંધ છે. 25 એપ્રિલથી કેદારનાથ ધામના કપાટ ખોલી દેવામાં આવશે. 22 એપ્રિલથી ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરૂઆત થઈ રહી છે. 22 એપ્રિલથી યમુનોત્રી અને ગંગોત્રાના કપાટ ખુલશે તથા 27 એપ્રિલથી બદ્રીનાથના કપાટ ખુલશે. અત્યાર સુધીમાં 9 લાખ 68 હજાર 951 લોકોએ યાત્રા માટે નોંધણી કરાવી છે.