ભજનલાલ શર્મા આજે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમના સિવાય દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજસ્થાન બીજેપી અધ્યક્ષ સીપી જોશીના જણાવ્યા અનુસાર, શપથ ગ્રહણ સમારોહ જયપુરના રામ નિવાસ બાગમાં યોજાશે. શપથ ગ્રહણ સમારોહ આજે લગભગ 11.15 કલાકે યોજાશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ ત્યાં ભાગ લેશે.
ભાજપે પહેલા છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પછી રાજસ્થાનમાં સીએમના નામની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. ભજનલાલ શર્માએ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી અને સાંગાનેર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48,081 મતોથી હરાવ્યા હતા. દિયા કુમારી એ સાંસદોમાં સામેલ છે જેમને ભાજપે વિધાનસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા.
ભજનલાલ શર્મા બ્રાહ્મણ સમાજના છે. બહારના હોવાનો આરોપ હોવા છતાં તેઓ સાંગાનેરથી જંગી માર્જિનથી જીત્યા હતા. નાયબ મુખ્યમંત્રી માટે નામાંકિત દિયા કુમારી જયપુરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ભાજપે અનુસૂચિત જાતિમાંથી આવતા પ્રેમચંદ બૈરવાને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકે પણ નિયુક્ત કર્યા છે.