શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મુજબ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં ગોકુળમાં નૂતન વર્ષથી અન્નકૂટ મહોત્સવનો પ્રારંભ થયો હતો. શ્રી નંદરાયજી એમ માનતા હતા કે, ઈન્દ્ર વરસાદનો રાજા છે, તેથી તે દર વર્ષે વરસાદ વરસાવે અને આપણું ભરણપોષણ કરે છે. આથી તેઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે યજ્ઞ કરીને ઈન્દ્રની પૂજા કરતા હતા. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણને આ યોગ્ય લાગ્યું નહી.
શ્રીકૃષ્ણ ભગવાને નંદરાયજીને સમજાવીને કહ્યું કે, આપણા દેવતા તો ગોવર્ધન પર્વત છે, માટે આપણે તેમની પૂજા કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણની વાત નંદરાયજીને ગળે ઉતરી ગઈ એટલે સૌએ નવા વર્ષે કારતક સુદ-એકમના દિવસે બધા ગોવાળીયાઓએ ભેગા થઈને ગિરીરાજ ગોવર્ધન પર્વત ઉપર જળ તથા દૂધનો અભિષેક કરી પૂજન-અર્ચન કરી આરતી ઉતારી. ત્યારબાદ બધા પોતાના ઘેરથી થાળ માટે જે-જે લાવ્યા હતા, તે ત્યાં ધરાવ્યું. તેનો જે ઢગલો થયો તેનું નામ અન્નકૂટ પાડવામાં આવ્યું.
સૌની હાજરીમાં ગોવર્ધ પર્વતે થાળનો સ્વીકાર કર્યોને બધાને પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. ત્યારબાદ પ્રસાદ વહેંચવામાં આવ્યો અને સૌએ આનંદ કિલ્લોલ કર્યો. આમ, 7વર્ષના કનૈયાએ દર વર્ષે થતો ઈન્દ્રનો યજ્ઞ બંધ કરાવીને ગોવર્ધન પર્વતની પૂજાની શરૂઆત કરાવીને, કાયમ માટે અન્નકૂટ મહોત્સવની શરૂઆત કરાવી. શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હવેથી દર વર્ષે આ રીતે અન્નકૂટ મહોત્સવ કરજો. જેનાથી તમને મોટું ઐશ્વર્ય અને સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળશે. ગાયોનું કલ્યાણ થશે અને બધા સુખી થશે. સર્વેને પુત્ર-પૌત્રાદિકની પ્રાપ્તિ થશે.
ત્યારથી હિન્દુ ધર્મમાં દર વર્ષે અન્નકૂટ મહોત્સવ ઉજવાય છે. અને તે આજ દિન સુધી ચાલુ છે. આવો જ અન્નકૂટ મહોત્સવ ભરૂચના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ગાયત્રીનગર સ્થિત જલારામ મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિક-ભક્તોએ લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.