ઝઘડિયા તાલુકાના સરસાડ ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ચમત્કારિક જળસ્નાન. ગુપ્તપણે વહેતું ગોદાવરી નદીનું નીર એક અમૃત જળ.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરસાડ ગામમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ગુપ્તપણે વહેતું ગોદાવરી નદીનું નીર ચર્મરોગ માટે ચમત્કારિક સાબિત થતાં લોકોમાં આ સ્થળ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વસતાં હજારો લોકો અહીંથી હજારો કિલોમીટર દૂર વહેતી ગોદાવરી નદીની પાવનતાનો ગામ આંગણે સાક્ષાત્કાર અનુભવી રહ્યા છે. કારણ કે, એક માન્યતા પ્રમાણે સરસાડ ગામમાં ગોદાવરી નદીનું નીર ગુપ્તપણે બહાર વહી રહ્યું છે. પ્રવાહ ક્યાંથી આવે છે, અને તેનું મૂળ કયાં છે, તે પણ આજદિન સુધી ગુપ્ત રહેવા પામ્યું છે. ગુપ્ત ગોદાવરીના નીરમાં રહેલું વિશિષ્ટ સત્વ ચામડીના દરેક પ્રકારના રોગોને જડમૂળમાંથી નાબૂદ કરતું હોવાની પ્રવર્તતી માન્યતાના પરિણામે શ્રદ્ધાળુઓ ગામે ગામથી સ્થળ પર સ્નાન કરવા માટે આવતા હોય છે.
અહી લોકો નર્મદા નદીના દર્શન સાથે ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું સૌભાગ્ય મેળવતા હોય છે. મહારાષ્ટ્રના નાસિક નજીક વહેતી ગોદાવરીના નીર ઝઘડિયાના સરસાડ ગામે ક્યાંથી આવે છે, તે પ્રશ્નના નિરાકરણ માટે સરસાડ ગામે બનેલ એક ઘટના પણ લોકોમાં પ્રચલિત છે. લોક વાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને શરીર પર રક્તકોઢ નીકળ્યો હતો. જેના નિવારણ માટે રાજવૈદ્યએ તેમને નાસિક પાસે વહેતી ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું જણાવ્યું હતું. તે અનુસાર રાજા પોતાના વિશાળ કાફલા સાથે નાસિક જવા નીકળ્યા હતા.
આ દરમિયાનમાં ઝઘડિયાના સરસાડ ગામ પાસેથી નીકળતી વખતે રાજા જયસિંહની તબિયત અચાનક ગંભીર થતાં રાજાએ સરસાડમાં મુકામ કર્યો હતો. ચર્મરોગથી પિડાતા રાજાએ સ્થળે ગોદાવરીનું અંત: કરણથી સ્મરણ કરતાં ગૌ મુખમાંથી નીરનો પ્રવાહ વહેતો થયો હતો, ત્યારે રાજાએ નીરમાં સ્નાન કરતાં તેમના શરીર પરનો રક્તકોઢ ગાયબ થઈ ગયો હતો, ત્યારથી જ ગુપ્ત ગોદાવરી પ્રત્યે લોકોમાં શ્રદ્ધા વધુ દ્રઢ બની છે.
ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ સ્થળે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે પણ ચર્મરોગથી પિડાતા અસંખ્ય લોકો સરસાડ ગામે ગુપ્ત ગોદાવરીમાં સ્નાન કરી રોગમુક્ત બને છે. આમ લોકો નર્મદા સાથે ગુપ્ત ગોદાવરીને પણ પાવન અને પુણ્યસલિલા માને છે.