Connect Gujarat
ધર્મ દર્શન 

ભાવનગર : રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં રાજપરાના ખોડિયાર મંદિરે યોજાયો મહાઆરતીનો કાર્યક્રમ

ભાવનગર : રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં રાજપરાના ખોડિયાર મંદિરે યોજાયો મહાઆરતીનો કાર્યક્રમ
X

ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીના નવ દિવસ ગુજરાતના જાણીતા શક્તિપીઠો ખાતે જગતજનનીની મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના રાજપરા ખાતે આવેલ ખોડિયાર માતાના જાણીતાં મંદિરે પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શક્તિની ભક્તિની ઉપાસનાના પાવન પ્રસંગ એવાં નવરાત્રીના છઠ્ઠા દિવસે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણા આ અવસરે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મંત્રીએ કહ્યું હતું કે, વિસરાયેલી સંસ્કૃતિને સમાજ જીવનમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય નવરાત્રિ જેવાં મહોત્સવ થકી રાજ્યમાં થયું છે. ઉત્સવો અને તહેવારો એ તો સનાતન ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. સુષુપ્ત થયેલ માનવજીવનમાં આવાં તહેવારો ઉમંગ અને ઉત્સાહ ભરે છે. ભારત દેશની ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવા અને આવનારી પેઢીઓ પણ તેને યાદ રાખે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્રારા પ્રયત્ન કરી રહ્યાં છે. રાજ્ય સરકાર પણ ગણપતિ મહોત્સવ, જન્માષ્ટમી મહોત્સવ જેવા ધાર્મિક મહોત્સવો તેમજ રણોત્સવ, પતંગોત્સવ જેવા સામાજિક કાર્યક્રમો દ્વારા તેને ચેતનવંતી રાખવાના પ્રયત્નો કરી રહી છે. રાજ્યના વિવિધ પ્રચલિત મંદિરોના પટાંગણમાં નવરાત્રીના નવેય દિવસ મહાઆરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કોવિડની ગાઇડલાઇનને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ફરીદા મીર અને તેમની ટીમે રાસ-ગરબાની ભારે જમાવટ કરી હતી. ઉપસ્થિત જનમેદનીએ તેને મનભરીને માણી હતી.

Next Story