ભાવનગર જિલ્લાના કોળિયાક ગામ ખાતે આવેલ નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં 2 દિવસ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આ મેળામાં 2 દિવસ દરમિયાન લાખો ભક્તોની ભીડ ઉમટી હતી. દેશ અને રાજ્યના ખૂણે ખૂણેથી ભાદરવા મહિનાના પ્રારંભે લોકો અહીં ભગવાન શિવની આરાધના અને સમુદ્ર સ્નાન કરવા આવતા હોય છે. જોકે,આ જગ્યાનું મહત્વ પાંડવો સાથે જોડાયેલું છે. પાંડવો ભાઈ અને ગુરુના વધથી કલંકિત થાય હતા, ત્યારે આ કલંકમાંથી મુક્ત થવા માટે 5 પાંડવોએ અહીં શિવલિંગની સ્થાપના કરીને અહીંયા સમુદ્ર સ્નાન થકી કલંક મુક્ત થયા હતા.
માટે જ આ જગ્યાનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું છે, ત્યારે શ્રદ્ધાળુઓ પણ શ્રવણ માસના અંત અને ભાદરવા માસની શરૂઆતમાં અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે. આ પ્રસંગે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા નિષ્કલંક મહાદેવ મંદિરે મહાપ્રસાદ તેમજ ભવ્ય લોકમેળાનં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થામાં ભાવનગર કોળી સેનાના કાર્યકરો અને હોદ્દેદારોએ ખડેપગે સેવા આપી હતી.