ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, ભક્તો માતાજીની ભક્તિમાં બનશે લીન

New Update
ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, ભક્તો માતાજીની ભક્તિમાં બનશે લીન

ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9 મી એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, જે 18 મી એપ્રિલે સમાપ્ત થશે.પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે.

આ દરમિયાન ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે. નવરાત્રિના પહેલા દિવસથી જ કળશ સ્થાપના સાથે અખંડ જ્યોત પ્રગટાવવાનો પણ નિયમ છે.ચૈત્ર નવરાત્રિમાં ગરમીનો પ્રભાવ સંપૂર્ણ રીતે શરૂ થઇ જાય છે. તેને ઠંડી અને ગરમીનો સંધિકાળ કહેવામાં આવે છે. આ સમયે મોસમી બિમારીઓ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. જેના કારણે નવરાત્રિમાં વ્રત રાખવાની પરંપરા છે, જેથી ખાનપાનમાં કોઇપણ પ્રકારની બેદરકારી થાય નહીં. આ દિવસોમાં ફળાહાર કરવાનું મહત્ત્વ છે. ફળના રસનું સેવન કરવામાં આવે છે. જે આપણાં શરીર માટે લાભદાયી રહે છે. ચૈત્ર નવરાત્રિને સ્વાસ્થ્ય નવરાત્રિના નામથી પણ ઓળખવામાં આવે છે. થોડાં લોકો આ દિવસોમાં લીમડાના પાનનું સેવન પણ કરે છે.