/connect-gujarat/media/post_banners/48c9e17020549cea461a9b1fe6083bf7af9cff43e795113d152314ebfbf19657.webp)
માનવ તસ્કરી વિરુદ્ધ દેશવ્યાપી અભિયાનમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ બુધવારે 10 રાજ્યનાં 55 ઠેકાણે દરોડા પાડ્યા હતા. કાશ્મીરથી કર્ણાટક સુધી કરાયેલી કાર્યવાહીમાં 44ની ધરપકડ કરાઈ છે. તેમાંથી 21ને ત્રિપુરા અને 10ને કર્ણાટકથી ઝડપી લેવાયા હતા. બીજી તરફ 5ને આસામથી, 3ને પશ્ચિમ બંગાળથી, 2ને તમિળનાડુથી અને 1-1ને પુડ્ડુચેરી, તેલંગાણા અને હરિયાણાથી ઝડપી લેવાયા છે.
એનઆઇએએ બીએસએફ અને સ્થાનિક પોલીસ સાથે મળીને આ કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે આ ઓપરેશનનો હેતુ ભારત-બાંગ્લાદેશની સરહદે ગેરકાયદે પ્રવાસીઓની ઘૂસણખોરી અને ભારતમાં માનવ તસ્કરી સહાય નેટવર્ક તોડી પાડવાનો છે. માનવ તસ્કરીના કિસ્સામાં 9 સપ્ટેમ્બરે આસામ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં તમિળનાડુ, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં માનવ તસ્કરી નેટવર્કનાં 5 મોડ્યૂલનો ઘટસ્ફોટ થયો. આ મુદ્દે ગુવાહાટી, ચેન્નાઈ, બૅન્ગલુરુ અને જયપુરમાં એનઆઇએની શાખાઓએ 4 કેસ દાખલ કર્યા હતા. તેના આધારે તપાસ એજન્સીએ ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિળનાડુ, તેલંગાણા, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર અને પુડ્ડુચેરીમાં શોધ અભિયાન ચલાવ્યું હતું. તેમાંથી 5ની સરહદ પડોશી દેશો સાથે જોડાયેલી છે.