શિવભક્તો દ્વારા શ્રાવણ માસની કરાતી ભવ્ય ઉજવણી
ગુજરાતનું ખજુરાહો ગણાતું બાવકાનું પૌરાણિક મંદિર
પૌરાણિક મહાદેવ મંદિરે ઉમટ્યું ભક્તોનું ભારે ઘોડાપૂર
પવિત્ર શ્રાવણ માસમાં શિવજીના દર્શનનો અનેરો મહિમા
શિવજી હાજરા હજુર હોવાથી પૂર્ણ થતી ભક્તોની કામના
હિન્દુ સમુદાયમાં શ્રાવણ માસને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે, ત્યારે દાહોદ જિલ્લાના બાવકા ગામ સ્થિત મહાદેવ મંદિરે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. દાહોદ જિલ્લામાં ગુજરાતનું ખજૂરાહો ગણાતું બાવકાનું પૌરાણિક મંદિર છે. પવિત્ર શ્રાવણ માસમાં આ અદભુત મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે, ત્યારે સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દેશના વિવિધ રાજ્યો અને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી લોકો આ મંદિરે દર્શન કરવા માટે આવે છે.
દાહોદના બાવકા ગામ ખાતે શિવ મંદિરનું 10મી સદીમાં બાંધકામ થયું હતું. આ મંદિર તેના સમયગાળાનું શ્રેષ્ઠ મંદિર ગણાય છે. રેતીયા પથ્થરો દ્વારા બનાવાયેલું મંદિર હવે ખંડિત અવસ્થામાં છે. ભક્તોનું કહેવું છે કે, પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ હાજરા હજુર હોવાથી મનોકામના પૂર્ણ થતી હોય છે. ભગવાન શિવને બીલીપત્ર અને જળાભિષેક કરતા ભક્તો જોવા મળ્યા હતા. દાહોદના મહાદેવ મંદિરો ખાતે ઘીનો અભિષેક કરવામાં આવતો હોવાથી આરતી સમયે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના 2 જ્યોતિર્લિંગ સોમનાથ અને નાગેશ્વરની જેમ બાવકા મહાદેવ પ્રત્યે પણ લોકોમાં અતૂટ શ્રદ્ધા હોવાથી ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે.