/connect-gujarat/media/post_banners/b8e7dde2e321919f4572387e640fbfc70d03e506af531276996837584e7d856d.webp)
આવતી કાલે એટલે કે 18 નવેમ્બરે લાભ પાંચમનો દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પૂજા વિધિ સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પ્રાર્થના કરવામાં આવે છે.
લાભ પાંચમને 'સૌભાગ્ય લાભ પંચમી' પણ કહેવામાં આવે છે, જે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે અને જે દિવાળીના તહેવારનો છેલ્લો દિવસ મનાય છે. લાભ પાંચમને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે. ગુજરાતમાં દિવાળીની ઉજવણી લાભ પાંચમના રોજ પૂર્ણ થાય છે અને આ દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, લાભ પાંચમના દિવસે પૂજા કરવાથી જીવનમાં ધનલાભ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને વ્યવસાય તથા પરિવારમાં પ્રગતિ થાય છે.
લાભ પાંચમના શુભ મુહૂર્ત
લાભપાંચમ 18 નવેમ્બરે ઉજવાશે. તેની શરૂઆત 17 નવેમ્બર સવારે 11:03 વાગ્યે થશે અને 18 નવેમ્બર સવારે 9: 18 વાગ્યે સમાપ્ત થશે.પૂજાનો સમય 6: 46 થી 10:19 સુધીનો રહેશે.
લાભપાંચમની પુજા વિધિ
આ દિવસે શુભ સમય જોઈને પૂજાનું આયોજન કરો. જ્યાં તમારે પૂજા કરવાની હોય તે સ્થળને સાફ સફાઈ કરીને તૈયાર કરો. પૂજાની શરૂઆતમાં દેવી લક્ષ્મી, શ્રી ગણેશ અને શિવજીની મૂર્તિઓ પુજા સ્થાન પર રાખો. ત્યાર બાદ બધાની પૂજા કરો. ધૂપ, દીપ, ફૂલ, અને પુષ્પમાલા અર્પણ કરો. લક્ષ્મી મંત્રનો જાપ કરો, ત્યાર બાદ શ્રી લક્ષ્મી ચાલીસા અથવા ભગવતગીતાનો પાઠ કરો. પુજા પછી પ્રસાદ તૈયાર કરો અને ભગવાનને અર્પણ કરો. ત્યાર બાદ આ પ્રસાદને પરિવારના તમામ સભ્યોને વહેચી દો.
લાભપાંચમનું મહત્વ
ભારતીય સંસ્કૃતિમાં લાભપાંચમનું ખુબજ મહત્વ રહેલું છે. લોકો આ દિવસે પુજા-ધાર્મિક વિધિઓ કરે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે. જેથી તેને સૌભાગ્ય અને સંપતિ મળે.