આ વર્ષે સૂર્યગ્રહણના કારણે દિવાળી અને ગોવર્ધન પૂજા વચ્ચે એક દિવસનો ખાડો હતો, ત્યારે આજે આકાશમાં અદ્ભુત ખગોળીય ઘટના સર્જાય હતી. આજે ભારતમાં વર્ષનું છેલ્લું અને આંશિક સૂર્યગ્રહણ થયું હતું. જે વર્ષ 2022 પછી દિવાળી અને સૂર્યગ્રહણનો યોગ 2032માં 3 નવેમ્બરના રોજ બનશે. જોકે, આ વખતે દિવાળીએ સૂર્યગ્રહણ અને બુધ, ગુરુ, શુક્ર, શનિનું સ્વરાશિમાં રહેવું, આ યોગ છેલ્લાં 1300 વર્ષોમાં બન્યો નથી. આ ગ્રહણ ભારતના મોટાભાગના વિસ્તારમાં જોવા મળ્યું હતું.
આજે બપોરે 2.28 કલાકથી 6.39 કલાક સુધી આંશિક સૂર્યગ્રહણના કારણે ગુજરાતના મોટાભાગના મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સૂર્યગ્રહણ દરમિયાન દુર્લભ યોગ રચાયો છે, ત્યારે તા. 24 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી અને 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા યોજાશે. તેવામાં આજે લોકોએ ઘરમાં રહી સૂર્યનારાયણ દેવની પુજા કરી ધન્યતા અનુભવી હતી. જોકે, આ દુર્લભ યોગને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અતિ મહત્વનો માનવામાં આવ્યો છે.