પુ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઈ રહેલી 931મી રામકથા "માનસ ચતુર્ભુજ "આજે શુક્રવારે સાતમા દિવસે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિરામ પામી હતી પુ. મોરારિબાપુએ પોતાની વાણીને મુખર કરતા કહ્યું કે સૌ કોઈએ જીવનમાં કેટલાંક વ્રતો રાખવા જોઈએ. જેમાં સત્ય વ્રત, સેવા વ્રત, સ્વીકારવત,સદાવ્રત બ્રહ્મચર્ય વ્રત ,અયાચક વ્રત, પ્રિય વ્રત,ધર્મ વ્રત,વીર વ્રત વગેરેનો ઉલ્લેખ કરીને કહ્યું કે જીવનમાં જેટલા પ્રકારના વ્રતોને આપણે અનુસરીએ એટલા આનંદમાં રહી શકીએ. દુઃખોનું આયોજન થાય છે જ્યારે આનંદએ આપણી નિયતિ નક્કી કરે છે. જીવનમાં આહાર વિહારની સમીક્ષા પણ જરૂરી છે. ચતુર્ભુજને તો ચાર ભુજાઓ છે જ પરંતુ શિવની પણ ક્યાંક ચાર ભુજાઓ છે.
ઇન્ડોનેશિયામાં આ પ્રકારનું શિલ્પ જોયું છે. જેમાં એક હાથમાં ડમરૂ ,બીજા હાથમાં ત્રિશૂળ,ત્રીજા હાથમાં વિષનો પ્યાલો અને ચોથા હાથમાં માળા છે. શિવજીના રામ જ્યોતિષ પર વાત જ્યારે આવે છે ત્યારે તે બ્રહ્મનો હાથ જુએ છે અને વિવિધ પ્રકારની બનનારી જ્યોતિષી ઘટનાઓને વર્ણવે છે. તેમના માતા કૌશલ્યાજીને જણાવે છે તેથી કહી શકાય કે દરેક વિદ્યા એ આપણને હરી એટલે કે ઈશ્વર સુધી પહોંચાડે છે જે રીતે શિવને રામ સુધી પહોંચ્યા.રામજન્મ પછીની કથાનો ક્રમ આજે આગળ વધ્યો હતો. બાપુએ પોતાના જીવનમાં પાઘડી,પાવડી , તાબંડી,તાવડી અને નાવડીની ભાવસભર વાત પ્રસ્તુત કરી હતી.
આજે નિંબાર્કપીઠના વડા આચાર્ય અનંત વિભૂષિત પુ.શ્યામચરણ દેવાચાર્યજી મહારાજ કથામાં ઉપસ્થિત રહીને પોતાનો પ્રસન્ન ભાવ વ્યક્ત કરી અને મહારાષ્ટ્રની નિમ્બાર્ક પીઠ ખાતે બાપુની કથા યોજવા માટેની ઈચ્છા જાહેર કરી હતી. કથાના પ્રારંભે દરેક કથાઓનું જે રીતે પ્રકાશન થાય છે તેમાં ઉત્તરાખંડના ડોલ આશ્રમ ખાતે ગવાયેલી માનસ શ્રી રામકથાનું લોકાર્પણ સંપાદક શ્રી નીતિન વડગામા તથા પૂજ્ય બાપુએ કર્યું હતું. આજની કથામાં રાજકિય અગ્રણીઓ વજુભાઈ વાળા,ભરતભાઈ પંડ્યા તથા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સહિતના વિવિધ અગ્રણીઓ જોડાયાં હતાં. મોટામંદિરના મંહતશ્રી પુ.લલિતકિશોરચરણબાપુનુ ભવ્ય આયોજન સુખરૂપ રીતે આગળ વધી રહ્યું છે.સમગ્ર આયોજનમાં કથાકાર વક્તા પુ.રામેશ્ર્વરદાસ બાપુ મહત્વની જવાબદારી નીભાવી રહ્યા છે.