Connect Gujarat
ધર્મ દર્શન 

નવરાત્રીના ત્રીજા નોરતે માં ચંદ્રઘંટાની પુજા કરો, જાણો માતાજીની પુજા વિધિ અને માંને ધરવામાં આવતા ભોગ વિષે.....

નવરાત્રીના ત્રીજા નોરતે માં ચંદ્રઘંટાની પુજા કરો, જાણો માતાજીની પુજા વિધિ અને માંને ધરવામાં આવતા ભોગ વિષે.....
X

નવરાત્રીમાં માં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ અત્યંત સુંદર, મોહક અને અલૌકિક છે. ચંદ્રની સમાન સુંદર માતાનું આ રૂપ દિવ્ય સુગંધિઓ અને દિવ્ય ધ્વનિઓનો આભાસ કરાવે છે. માતાનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના મસ્તકમાં ઘંટના આકારનો અર્ધચંદ્ર છે, તેથી જ તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ સોના જેવો ચળકદાર છે. તેમના દસ હાથ છે. તેમના દશે હાથોમાં શસ્ત્રો, બાણ, અસ્ત્રો વગેરે છે. તેમનું વાહન વાઘ છે. આ દેવીની ઉપાસના કરવાથી સાધકમાં વીરતા અને નિર્ભયતાની સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે. પરિણામે આપણે મન, વચન અને કર્મ સાથે શરીરને માતાના ચંદ્રઘંટાના ચરણોમાં સમર્પિત કરી તેમની ઉપાસના કરવી જોઈએ.

ચંદ્રઘંટા માતાજીની પૂજા વિધિ

નવરાત્રીના ત્રીજા દિવસે માતા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની વિધિ વિધાનથી આ મંત્ર “ऊं देवी चन्द्रघण्टायै नमः “નો જાપ કરી આરાધના કરવી જોઈએ. ત્યારબાદ માતા ચંદ્રઘંટાને સિંદૂર, ચોખા, અગરબત્તી, ધૂપ, પુષ્પ વગેરે અર્પિત કરો. તમે દેવી માને ચમેલીનું ફૂલ અથવા કોઈપણ લાલ ફૂલ અર્પિત કરી શકો છો. પૂજા દરમિયાન દુર્ગા ચાલિસાનો પાઠ અને દુર્ગા આરતીનું ગાન કરો. જો તમે ઈચ્છો તો દુર્ગા સપ્તશતીનો પણ પાઠ કરી શકો છો. આરતી બાદ ક્ષમા યાચના મંત્ર પાઠ કરવાનું ન ભૂલો. સાચા મનથી માતાની આરાધના કરનાર ભક્તોની દરેક મનોકામના પુરી થાય છે. આ ઉપરાંત ભયમાંથી મૂક્તિ મળે છે. નવરાત્રીના ત્રીજા દિવસે આછા આસમાની રંગના કપડા પહેરવા જોઈએ. મા ચંદ્રઘંટા નું પૂજન કરતી વખતે કોઈપણ રંગના વસ્ત્રો પહેરી શકાય છે.

ચંદ્રઘંટા માતાજીનો ભોગ

માતા ચંદ્રઘંટાને કેસરની ખીર અથવા દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ લગાવવો શુભ માનવામાં આવે છે. આ માટે તમે ઇચ્છો તો માતા ચંદ્રઘંટાને પંચામૃત, ખાંડ અથવા મિશ્રી પણ અર્પણ કરી શકો છો. આમ કરવાથી વ્યક્તિને ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

Next Story